10 June, 2026 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લિસ્ટ-A ક્રિકેટમાં ૨૧મી સદી ફટકારીને ઋતુરાજ ગાયકવાડ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો
શ્રીલંકામાં ગઈ કાલે ત્રિકોણીય વન-ડે સિરીઝની પહેલી મૅચમાં શ્રીલંકા A અને ઇન્ડિયા Aની ટીમો વચ્ચે રમાઈ હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર ભારતીય ટીમે વાઇસ-કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડની સદી અને કૅપ્ટન તિલક વર્માની ફિફ્ટીની મદદથી ૨૭૭/૬નો સ્કોર કર્યો હતો. શ્રીલંકા ત્રણ ટૉપ ઑર્ડર બૅટર્સની ૪૦ પ્લસ રનની વ્યક્તિગત ઇનિંગ્સને આધારે ૪૮.૫ ઓવરમાં ૨૬૯ રન કરીને માત્ર ૮ રનથી હાર્યું હતું.
ઓપનિંગ જોડીમાંથી પ્રભસિમરન સિંહ ૧૧ બૉલમાં બે રન અને વૈભવ સૂર્યવંશી ૧૨ બૉલમાં ૧૪ રન કરીને કૅચઆઉટ થયા હતા. ઋતુરાજ ગાયકવાડે ચોથા ક્રમે રમીને ૧૧૪ બૉલમાં ૬ ફોર અને ૩ સિક્સની મદદથી ૧૦૧ રન કર્યા હતા. કૅપ્ટન તિલક વર્માએ ૯૭ બૉલમાં બે ફોર, ૧ સિક્સના આધારે ૬૦ રન કર્યા હતા.
રન-ચેઝ દરમ્યાન શ્રીલંકાનો સ્કોર ૪૭.૧ ઓવરમાં ૨૬૨/૬ વિકેટ હતો. એ સમયે શ્રીલંકાને જીત માટે ૧૬ રનની જરૂર હતી. જોકે ૪૮મી ઓવરના પાંચ અને ૪૯મી ઓવરના પાંચ બૉલ મળીને કુલ ૧૦ બૉલમાં બાજી પલટાઈ ગઈ હતી. આ ૧૦ બૉલમાં શ્રીલંકાએ ૭ રન કરીને છેલ્લી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ૪૮મી ઓવરમાં અશુંલ કમ્બોજે એક વિકેટ લીધી હતી, જ્યારે ૪૯મી ઓવરમાં અરશદ ખાને બે વિકેટ લીધી હતી અને ઋતુરાજ ગાયકવાડે એક રનઆઉટ કરીને હરીફ ટીમને તંબુભેગી કરી દીધી હતી.