30 April, 2026 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાયન રિકલ્ટન
ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં યજમાન મુંબઈ ઇન્ડિયન્સે મસ્ટ વિન મૅચમાં ૨૦ ઓવરમાં ૧૪ સિક્સર અને ૨૧ ફોર સાથે પાંચ વિકેટે ૨૪૩ રન ફટકાર્યા હતા. ટુર્નામેન્ટમાં પ્રથમ બૅટિંગ કરતાં મુંબઈનો આ હાઇએસ્ટ સ્કોર બની ગયો હતો. મુંબઈના આ હાઇએસ્ટ સ્કોરમાં ટીમમાં કમબૅક કરી રહેલા વિકેટકીપર-બૅટર રાયન રિકલ્ટનનું મુખ્ય યોગદાન હતું. તેના જ દેશના ક્વિન્ટન ડી કૉકની ઇન્જરીને લીધે રિકલ્ટનને ફરી મોકો મળ્યો અને તેણે ૫૫ બૉલમાં ૮ સિક્સર અને ૧૦ ફોર સાથે ૧૨૩ રન ફટકારીને બન્ને હાથે ઝડપી લીધો હતો. રિકલ્ટને માત્ર ૪૪ બૉલમાં સેન્ચુરી પૂરી કરીને મુંબઈ વતી ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો. આ પહેલાં ૪૫ બૉલમાં સેન્ચુરીનો રેકૉર્ડ સનથ જયસૂર્યા (૨૦૦૮માં ચેન્નઈ સામે) અને તિલક વર્મા (૨૦૨૬માં ગુજરાત
સામે)ના નામે હતો.
પ્રથમ મૅચમાં કલકત્તા સામે ૮૧ રનની શાનદાર ઇનિંગ્સ બાદ સતત લો સ્કોરને લીધે મુંબઈએ રિકલ્ટનને ડ્રૉપ કરીને ક્વિન્ટન ડી કૉકને મોકો આપ્યો હતો અને તેણે પ્રથમ જ મૅચમાં સેન્ચુરી ફટકારી હતી. હવે ક્વિન્ટન ડી કૉકને બદલે ફરી રિકલ્ટનને મોકો મળતાં તેણે પણ સેન્ચુરી સાથે ટીમનો આભાર માન્યો હતો.
રિકલ્ટન ઉપરાંત સીઝનમાં પ્રથમ વાર રમી રહેલા વિલ જૅક્સે બાવીસ બૉલમાં ૪૬, કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ૧૫ બૉલમાં ૩૧ અને નમન ધીરે ૧૭ બૉલમાં બાવીસ રન સાથે ટીમને ૨૦૦ પ્લસના સ્કોર સુધી લઈ જવામાં મદદ કરી હતી. સૂર્યકુમાર યાદવ ફરી ફ્લૉપ રહ્યો હતો અને પાંચ બૉલમાં માત્ર પાંચ જ રન બનાવ્યા હતા. મુંબઈએ સીઝનમાં ત્રીજી વાર ૨૦૦ પ્લસનો સ્કોર બનાવ્યો હતો. આ પહેલાં કલકત્તા સામે ૨૨૦ અને બૅન્ગલોર સામે ૨૨૨ રન બનાવ્યા હતા.
રોહિત શર્મા હજી સૂંપર્ણ ફિટ ન હોવાથી તેને આરામ આપવામાં આવ્યો હતો. કૅપ્ટન હાર્દિકે રોહિત વિશે ટૉસ વખતે જણાવ્યું હતું કે તે હજી સંપૂર્ણ ફિટ નથી અને કદાચ હજી અમુક
મૅચ ગુમાવશે.
મુંબઈએ વિલ જૅક્સ ઉપરાંત ઝારખંડના ૨૩ વર્ષીય વિકેટકીપર-બૅટર રૉબિન મિન્ઝનો ટીમમાં સમાવેશ કર્યો હતો.
|
રાયન રિકલ્ટનની ધમાકેદાર ઇનિંગ્સ |
|
|
રન |
૧૨૩ |
|
બૉલ |
૫૫ |
|
ચોગ્ગા |
૧૦ |
|
છગ્ગા |
૦૮ |
|
સ્ટ્રાઇક-રેટ |
૨૨૩.૬૩ |