મહમુદુલ હસન જૉયની લડાયક ઇનિંગ્સ

03 April, 2022 01:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પહેલી ટેસ્ટમાં બંગલાદેશ ૨૯૮માં ઑલઆઉટ, સાઉથ આફ્રિકાએ લીધી ૭૫ રનની લીડ

મહમુદુલ હસન જૉય

ડર્બનમાં ચાલી રહેલી વરસાદના વિઘ્નવાળી પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે બંગલાદેશ ઓપનર મહમુદુલ હસન જૉયના ૧૩૭ રનની ઇનિંગ્સ છતાં ૨૯૮ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું, જેને કારણે સાઉથ આફ્રિકાએ ૭૫ રનની લીડ લીધી હતી. વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે રમત વહેલી બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે સાઉથ આફ્રિકાએ વિના વિકેટે ૬ રન કર્યા હતા. સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગ્સમાં ૩૬૭ રન કર્યા હતા.

જવાબમાં બંગલાદેશે શુક્રવારે ૯૮ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ગઈ કાલે સવારે નાઇટ વૉચમેન તસ્કિન અહમદ ૧ રન કરીને આઉટ થયો હતો. જોકે મહમુદુલે પોતાની પહેલી સદી ફટકારી હતી. તે આઉટ થનરો છેલ્લો બૅટર હતો. તેણે લિટન દાસ (૪૧) સાથે છઠ્ઠી વિકેટ માટે ૮૨ રનની તેમ જ આઠમી વિકેટ માટે મહેંદી હસન મિરાઝ (૨૯) સાથે ૫૧ રનની પાર્ટનરશિપ કરી હતી. છેલ્લી પાચ વિકેટમાં બંગલાદેશે ૧૯૭ રન કર્યાં હતાં.

sports sports news cricket news bangladesh south africa