મહારાજ-હાર્મરની સ્પિન જોડીએ ફરી એકલા હાથે બંગલાદેશ સામેની ટેસ્ટ જિતાડી આપી

12 April, 2022 02:40 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મહારાજે પહેલી ટેસ્ટના બીજા દાવની ૭ વિકેટની માફક ગઈ કાલે પણ ૭ વિકેટ લીધી હતી

મૅન ઑફ ધ મૅચ અને મૅન ઑફ ધ સિરીઝ અવૉર્ડ સાથે સ્પિનર કેશવ મહારાજ

સાઉથ આફ્રિકાના ૩૨ વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર કેશવ મહારાજ અને ૩૩ વર્ષના રાઇટ-આર્મ ઑફ સ્પિનર સાયમન હાર્મરની જોડી અઠવાડિયામાં બીજી વાર બંગલાદેશને ભારે પડી ગઈ. પ્રથમ ટેસ્ટની જેમ ગઈ કાલે બીજી અને અંતિમ ટેસ્ટમાં પણ બંગલાદેશને તોતિંગ લક્ષ્યાંક અપાયા બાદ બીજા દાવની શરૂઆત આ બન્ને સ્પિનરોથી કરવામાં આવી હતી અને તેમણે બંગલાદેશની ટીમને સાવ સસ્તામાં આઉટ કરીને ટેસ્ટ જિતાડી આપી હતી. મહારાજે પહેલી ટેસ્ટના બીજા દાવની ૭ વિકેટની માફક ગઈ કાલે પણ ૭ વિકેટ લીધી હતી. હાર્મરે પણ પ્રથમ ટેસ્ટની સેકન્ડ ઇનિંગ્સની જેમ ગઈ કાલે પણ ત્રણ વિકેટ લીધી હતી. એ સાથે, સાઉથ આફ્રિકાએ ૨-૦થી સિરીઝ જીતી લીધી છે અને આખી શ્રેણીમાં કુલ ૧૬ વિકેટ લેનાર મહારાજને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ અપાયો હતો. બેઉ ટેસ્ટમાં મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર પણ મહારાજને જ અપાયો હતો. હાર્મરે સિરીઝમાં કુલ ૧૩ વિકેટ લીધી હતી.

ગઈ કાલે ચોથા દિવસે બંગલાદેશ ૪૧૩ રનના ટાર્ગેટ સામે ફક્ત ૮૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું અને એનો ૩૩૨ રનથી પરાજય થયો હતા. ૮૦ રનમાં લિટન દાસના ૨૭ રન હાઇએસ્ટ હતા અને ચાર બૅટર્સ ઝીરોમાં આઉટ થયા હતા. પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં બંગલાદેશ ૫૩ રનમાં ઑલઆઉટ થતાં ૨૨૦ રનથી હારી ગયું હતું. માર્ચ મહિનામાં બંગલાદેશે સાઉથ આફ્રિકાને વન-ડે સિરીઝમાં ૨-૧થી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાની ધરતી પર બંગલાદેશનો એ પહેલો વન-ડે શ્રેણી-વિજય હતો.

ઝોન્ડો અને સ્ટરમૅન પ્રથમ કોવિડ સબસ્ટિટ્યુટ
અંતિમ ટેસ્ટ ગઈ કાલે બંગલાદેશ બીજા દાવમાં ૮૦ રનમાં આઉટ થઈ જતાં વહેલી પૂરી થઈ ગઈ હતી, પણ એ પહેલાં સાઉથ આફ્રિકાના બે પ્લેયર સેરલ ઇરવી તથા વિઆન મુલ્ડરના કોવિડ-ટેસ્ટના રિપોર્ટ પૉઝિટિવ આવતાં ટેસ્ટ પૂરી થતાં પહેલાંની થોડી ક્ષણ અગાઉ આ બે ખેલાડીના સ્થાને ખયા ઝોન્ડો અને ગ્લેન્ટન સ્ટરમૅનને કોવિડ-19 સબસ્ટિટ્યુટ તરીકે રમવા બોલાવાયા હતા. ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચમાં કોવિડ સબસ્ટિટ્યુશન પ્રોટોકોલનો આ પહેલો જ બનાવ છે. ઝોન્ડોની આ પહેલી જ ટેસ્ટ હતી જેમાં તેણે કોવિડ સબસ્ટિટ્યુટ તરીકે ડેબ્યુ કર્યું છે.

sports sports news cricket news test cricket bangladesh south africa