ફૅફ ડુ પ્લેસી જેએસકેનો કૅપ્ટન, ફ્લેમિંગ હેડ-કોચ

02 September, 2022 12:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ સુકાની સ્ટીફન ફ્લેમિંગ સીએસકેની માફક જેએસકેનો પણ હેડ-કોચ નિયુક્ત કરાયો છે

ફૅફ ડુ પ્લેસી

સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ સુકાની ફૅફ ડુ પ્લેસી આઇપીએલની ૨૦૨૨ની સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)નો કૅપ્ટન હતો, પરંતુ જાન્યુઆરીમાં રમાનારી સાઉથ આફ્રિકાની સૌપ્રથમ ટી૨૦ લીગ (એસએ૨૦ લીગ)માં જોહનિસબર્ગ સુપર કિંગ્સ (જેએસકે)નું નેતૃત્વ સંભાળશે. ડુ પ્લેસી અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) વતી ૧૦૦ મૅચ રમી ચૂક્યો છે અને સીએસકેના ચૅમ્પિયનપદનો સાક્ષી છે. એ ગાઢ સંબંધને આધારે જ તેને હવે સીએસકેના ફ્રૅન્ચાઇઝીએ જેએસકે ટીમની જવાબદારી સોંપી છે.

ન્યુ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ સુકાની સ્ટીફન ફ્લેમિંગ સીએસકેની માફક જેએસકેનો પણ હેડ-કોચ નિયુક્ત કરાયો છે. જેએસકે ટીમમાં શરૂઆતમાં મોઇન અલી, મહીશ થીકશાના (આ બન્ને પ્લેયર આઇપીએલ-૨૦૨૨માં સીએસકેમાં હતા), રોમારિયો શેફર્ડ અને નવોદિત જેરાલ્ડ કૉએટ્ઝીને સમાવવામાં આવ્યા છે.

ડુ પ્લેસીએ ટી૨૦ લીગમાં પોતાની શાનદાર કરીઅર બદલ સીએસકેના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો તેમ જ ફ્લેમિંગનો આભાર માન્યો છે. ડુ પ્લેસીએ આઇપીએલની ૧૦ વર્ષ (૨૦૧૨-૨૦૨૨)ની કારકિર્દીમાં ૧૧૬ મૅચમાં કુલ ૩૪૦૩ રન બનાવ્યા છે જેમાં ૧૦૯ સિક્સર અને ૩૧૩ ફોરનો સમાવેશ છે. ૧૩૦.૫૮ તેનો સ્ટ્રાઇક-રેટ છે.‍ આરસીબી ટીમના વિરાટ કોહલીના ૬૬૨૪ રન આઇપીએલના તમામ પ્લેયર્સમાં હાઇએસ્ટ છે.

sports news sports cricket news faf du plessis t20 indian premier league