28 August, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકર
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ સચિન તેન્ડુલકરે હાલમાં રેડિટ નામના સોશ્યલ મીડિયા ન્યુઝ પ્લૅટફૉર્મના આસ્ક મી ઍનીથિંગમાં ફૅન્સને રસપ્રદ જવાબો આપ્યા હતા. એક ફૅન દ્વારા પૂછવામાં આવ્યું કે શું અર્જુને ખરેખર સગાઈ કરી લીધી છે? સચિને દીકરા અર્જુનની સગાઈની પુષ્ટિ કરતાં લખ્યું કે હા, કરી લીધી છે; અમે બધા તેના જીવનના આ નવા તબક્કા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. અહેવાલ અનુસાર સચિનની દીકરી સારા તેન્ડુલકરની મિત્ર સાનિયા ચંડોક સાથે અર્જુની સગાઈ થઈ છે. ચાલો જાણીએ સચિન તેન્ડુલકરના અન્ય કેટલાક રસપ્રદ જવાબો વિશે.
ભૂતપૂર્વ અમ્પાયર સ્ટીવ બકનર વિશે શું કમેન્ટ કરશે? આ સવાલના જવાબમાં સચિને રમૂજ કરતાં લખ્યું કે ‘જ્યારે હું બૅટિંગ કરું ત્યારે હું તેમને બૉક્સિંગ ગ્લવ્ઝ પહેરાવીશ (જેથી તે આંગળી ઉપાડી ન શકે). DRS પહેલાંના યુગમાં સ્ટીવ બકનરે સચિન સામે ઘણા એવા નિર્ણયો આપ્યા હતા જે પાછળથી ખોટા સાબિત થયા હતા.
ક્રિકેટમાં કયો નિયમ બદલવાની ઇચ્છા છે? એના જવાબમાં સચિને લખ્યું કે હું DRS સમયે અમ્પાયર-કૉલનો નિયમ બદલીશ. એક વાર ટીમ DRS પસંદ કરે છે ત્યારે રિઝલ્ટ સંપૂર્ણપણે ટેક્નૉલૉજી પર આધારિત હોવું જોઈએ, મેદાન પરના મૂળ નિર્ણય પર નહીં.
વર્ષ ૨૦૧૧ની ફાઇનલમાં યુવરાજ સિંહ પહેલાં ધોનીને બૅટિંગ માટે આગળ પ્રમોટ કરવાનો વિચાર તારો હતો? એના જવાબમાં સચિને લખ્યું કે ‘આનાં બે કારણો હતાં. ડાબેરી-જમણી બૅટિંગ-કૉમ્બિનેશન બન્ને ઑફ-સ્પિનરોને મુશ્કેલીમાં મૂકી શકે છે અને મુથૈયા મુરલીધરન ચેન્નઈ સુપર કિંગ્સ (૨૦૦૮થી ૨૦૧૦ સુધી) માટે રમ્યો હતો અને ધોની તેની સામે ત્રણ સીઝન માટે નેટ-સેશનમાં રમ્યો હતો.
ક્રિકેટર ન હોત તો શું હોત? એના જવાબમાં સચિને લખ્યું કે ટેનિસ પ્લેયર. એક અન્ય જવાબમાં તેણે ખુલાસો કર્યો કે હાલમાં નોવાક જૉકોવિચ મારો ફેવરિટ ટેનિસ પ્લેયર છે, પણ તેના રિટાયરમેન્ટ બાદ કાર્લોસ અલ્કારાઝ મારો ફેવરિટ બનશે.
કયા બૅટ્સમૅન સાથે રન માટે દોડવું સૌથી મુશ્કેલ લાગ્યું? સચિને જવાબ આપ્યો કે ‘વીરુ (વીરેન્દર સેહવાગ) કો ભાગના મુશ્કિલ હી નહીં નામુમકિન થા, ક્યોંકિ વો છક્કોં ઔર ચૌકોં મેં ડીલ કરતા થા.’
અભી આધાર કાર્ડ ભી ભેજું ક્યા?
સવાલ-જવાબના આ સેશનમાં એક સવાલ સૌથી ચર્ચામાં રહ્યો. એક ફૅને પૂછયું કે સચ મેં સચિન તેન્ડુલકર હૈ ક્યા? વૉઇસ-નોટ શૅર કરો. તેને જવાબ આપતાં સચિને ઑફિસથી મોટી સ્ક્રીન પર તેના પ્રશ્ન તરફ ઇશારો કરતો ફોટો શૅર કર્યો અને લખ્યું કે અભી આધાર કાર્ડ ભી ભેજું ક્યા?