કેમ છો અમદાવાદ? મજામાં? : સચિન

02 February, 2023 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માસ્ટર બ્લાસ્ટરે ગર્લ્સ વર્લ્ડ ચૅમ્પિયન ટીમનું બહુમાન કરતાં પહેલાં અમદાવાદની જનતાને આનંદિત અને રોમાંચિત કરી દીધી ઃ શેફાલીની શેરનીઓએ મેદાન પર વિજયી પરેડ પણ કરી

ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકરે ગઈ કાલે અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ગર્લ્સ અન્ડર-૧૯ ટી૨૦ ટીમનું બહુમાન કર્યું

ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકરે ગઈ કાલે અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ગર્લ્સ અન્ડર-૧૯ ટી૨૦ ટીમનું બહુમાન કરતાં પહેલાં સ્પીચના આરંભમાં ‘કેમ છો અમદાવાદ? મજામાં?’ બોલીને સ્ટેડિયમમાં ઉપસ્થિત એક લાખથી પણ વધુ પ્રેક્ષકો અને તમામ મહેમાનોને આનંદિત કરી દીધા હતા. 

સચિને શેફાલી વર્મા ઍન્ડ કંપનીની સિદ્ધિને આવનારી પેઢીની ખેલાડીઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી અને તેમને રોલ મૉડલ ગણાવી હતી. આ વિશ્વવિજેતા ટીમને સર્વોચ્ચ સ્તર સુધી પહોંચાડવામાં ભૂતપૂર્વ ક્રિકેટર્સ જેમાં ખાસ કરીને ડાયના એદલજી, અંજુમ ચોપડા સહિતની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર્સનું જે યોગદાન રહ્યું છે એનો પણ સચિને ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો : શેફાલી વર્માને જુનિયર પછી હવે સિનિયર વર્લ્ડ કપ પણ જિતાડવો છે!

મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની સુપરસ્ટાર ઑલરાઉન્ડર હર્લી ગાલા પણ વર્લ્ડ કપ માટેની મુખ્ય ટીમમાં હતી. ઈજાને કારણે તે ટુર્નામેન્ટમાં નહોતી રમી શકી, પરંતુ ગઈ કાલે તેને પણ સાથી-ખેલાડીઓની જેમ અમદાવાદના ઐતિહાસિક સ્ટેડિયમના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો હતો.

સૌપ્રથમ મહિલા આઇપીએલ (ડબ્લ્યુપીએલ) આવતા મહિને શરૂ થઈ રહી છે અને એ વિશે સચિને બીસીસીઆઇને તેમ જ એના હોદ્દેદારોને અભિનંદન આપ્યાં હતાં. 

પછીથી વર્લ્ડ ચૅમ્પિયન ગર્લ્સ ટીમે મેદાન પર ટ્રોફી સાથે પરેડ કરી હતી.  તમામ ખેલાડીઓ એકમેકને ભેટી હતી અને હજારો પ્રેક્ષકોએ તેમને વધાઈ આપી હતી.

sports news sports cricket news t20 sachin tendulkar ahmedabad motera stadium u-19 world cup indian womens cricket team