21 June, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકરની ફાઇલ તસવીર
મુંબઈકર સચિન તેન્ડુલકરે ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ-સિરીઝમાં પટૌડી ફૅમિલીના વારસાને જીવંત રાખવામાં મોટી ભૂમિકા ભજવી છે. બન્ને દેશના બોર્ડે આ સિરીઝના વિજેતા કૅપ્ટનને ‘પટૌડી મેડલ ઑફ એક્સલન્સ’ આપવાનો નિર્ણય લીધો છે. ઇફ્તિખાર અલી ખાન પટૌડી અને તેમના પુત્ર મન્સૂર બન્નેએ ભારતનું નેતૃત્વ કર્યું હતું અને બન્ને લાંબાે સમય ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમ્યા છે.
સચિન તેન્ડુલકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને ખબર હતી કે થોડા મહિના પહેલાં પટૌડી ટ્રોફીને નિવૃત્ત કરવામાં આવી છે, પરંતુ જ્યારે મને ખબર પડી કે એનું નામ મારા અને ઍન્ડરસનના નામ પરથી છે તો મેં પટૌડી ફૅમિલીનો સંપર્ક કર્યો અને કહ્યું કે હું પટૌડી વારસાને જીવંત રાખવા માટે દરેક પ્રયાસ કરીશ. આ પછી મેં ICC ચૅરમૅન જય શાહ અને ઇંગ્લૅન્ડ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરીને કેટલાંક સૂચન આપ્યાં હતાં, કારણ કે પટૌડીએ ઘણી પેઢીઓને પ્રેરણા આપવામાં મોટી ભૂમિકા ભજવી હતી જેને ભૂલી શકાતી નથી. હું ખુશ છું કે તેમના સન્માનમાં મેડલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’