બે ભાગમાં પાવરપ્લે, બોલરને પાંચ ઓવર અને ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ ખતમ કરો

01 June, 2026 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે IPL માટે આ ત્રણ ફેરફારનું સૂચન કર્યું

મુંબઈમાં હાલમાં એક પ્રાઇવેટ અવૉર્ડ સમારોહમાં ૨૧મી સદીના ગ્રેટેસ્ટ મેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટરના પુરસ્કારથી સન્માનિત થયો હતો સચિન તેન્ડુલકર. સમારોહમાં અનિલ કુંબલે અને એબી ડિવિલિયર્સ જેવા ભૂતપૂર્વ ક્રિકેટર્સ પણ સામેલ હતા.

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરે IPLમાં બૅટ અને બૉલ વચ્ચે થોડું સંતુલન પુનઃસ્થાપિત કરવા કેટલાંક સૂચનો કર્યાં છે. મુંબઈમાં હાલમાં એક પ્રાઇવેટ અવૉર્ડ સમારોહમાં સચિનને પૂછવામાં આવ્યું હતું કે IPLને રસપ્રદ બનાવવા કયા કયા ફેરફાર કરી શકાય?

૫૩ વર્ષના સચિન તેન્ડુલકરે કહ્યું કે ‘મને લાગે છે કે ઇમ્પૅક્ટ પ્લેયર નિયમ રદ કરવો જોઈએ. T20 ફૉર્મેટમાં ફક્ત ૨૦ ઓવર રમવાની હોય છે અને પછી તમે એ લાઇનઅપમાં બીજો બૅટર ઉમેરો છો ત્યારે મને ત્યાં અસંતુલન દેખાય છે. ખાસ કરીને જ્યાં બોલરો પહેલાંથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.’ 

સચિન તેન્ડુલકરે વધુમાં કહ્યું કે ‘છ ઓવરના પાવરપ્લેમાં પ્રથમ ચાર ઓવર બૅટર્સ માટે હોવી જોઈએ જ્યાં ફ્કત બે ફીલ્ડરોને બાઉન્ડરી પાસે ઊભા રહેવાની છૂટ હોય. બાકીની બે પાવરપ્લે બોલર્સ માટે હોવી જોઈએ જ્યાં તેઓ કૅપ્ટન સાથે મળીને જ્યારે પણ ઇચ્છે ત્યારે વધુ એક ફીલ્ડર બાઉન્ડરી સાથે ઊભો રાખી શકે.’ 

ત્રીજા અને અંતિમ ફેરફાર વિશે સૂચન કરતાં સચિન તેન્ડુલકરે કહ્યું કે ‘એક બોલરને પાંચ ઓવર ફેંકવાની પરવાનગી આપવી જોઈએ. આનું કારણ એ છે કે મોટા ભાગના કિસ્સામાં ટીમનો મુખ્ય બોલર જ પાંચમી ઓવર ફેંકશે. શું તમે તે ટૉચના બોલરને વધુ બોલિંગ કરતા જોવા નથી માગતા? ટૉચના ક્રમના બૅટ્સમેન ક્યારેક સંપૂર્ણ ૨૦ ઓવર માટે બૅટિંગ કરે છે તો શા માટે શ્રેષ્ઠ બોલરને પાંચ ઓવર ફેંકવાની તક ન આપવી જોઈએ?’

sports news sports indian premier league sachin tendulkar indian cricket team cricket news