લૉર્ડ્‌સમાં સચિનને મળ્યું સ્પેશ્યલ સન્માન

12 July, 2025 07:14 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

કલાકાર સ્ટુઅર્ટ પિયર્સન રાઇટે બનાવેલું આ ચિત્ર આ વર્ષના અંત સુધી MCC મ્યુઝિયમમાં રહેશે અને એને લૉર્ડ્‌સના પૅવિલિયનમાં ખસેડવામાં આવશે

લૉર્ડ્‌સમાં સચિનને મળ્યું સ્પેશ્યલ સન્માન

પ્રતિષ્ઠિત લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડની પરંપરા અનુસાર ગઈ કાલે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકરે બેલ વગાડીને મૅચની શરૂઆત કરાવી હતી. એ પહેલાં લૉર્ડ્‌સની મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (MCC) મ્યુઝિયમમાં તેના પેઇન્ટિંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કલાકાર સ્ટુઅર્ટ પિયર્સન રાઇટે બનાવેલું આ ચિત્ર આ વર્ષના અંત સુધી MCC મ્યુઝિયમમાં રહેશે અને એને લૉર્ડ્‌સના પૅવિલિયનમાં ખસેડવામાં આવશે. ૧૮ વર્ષ પહેલાં મુંબઈમાં તેન્ડુલકરના ઘરે લીધેલા ફોટોગ્રાફ પરથી આ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

માસ્ટર બ્લાસ્ટરે લૉર્ડ્‌સમાં પાડેલો ૩૬ વર્ષ જૂનો એક ફોટો શૅર કરીને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘હું પહેલી વાર ૧૯૮૮માં કિશોરાવસ્થામાં લૉર્ડ્‌સમાં ગયો હતો અને ૧૯૮૯માં સ્ટાર ક્રિકેટ ક્લબ ટીમ સાથે આ મેદાન પર પાછો ફર્યો હતો. મને યાદ છે કે હું પૅવિલિયન પાસે ઊભો હતો. હું ઇતિહાસને યાદ કરતો હતો અને શાંતિથી સપનું જોતો હતો. આજે આ જ સ્થળે મારા ચિત્રનું અનાવરણ થવું એ એક એવી લાગણી છે જેનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. જીવન ખરેખર એક સર્કલમાં આવી ગયું છે.’

sachin tendulkar cricket news indian cricket team melbourne sports news sports social media