વૈભવ સૂર્યવંશીને આયરલૅન્ડ-ઇંગ્લૅન્ડ પ્રવાસમાં અલગ ચેન્જિંગ રૂમ મળશે

25 June, 2026 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીમ-મીટિંગ અને મૅચ વખતે જ સિનિયર ખેલાડીઓ સાથે રહી શકશે

વૈભવ સૂર્યવંશીની ફાઇલ તસવીર

ભારતીય ક્રિકેટના ઊભરતા સિતારા વૈભવ સૂર્યવંશીની આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં પસંદગી થઈ છે. ૨૬ જૂનથી શરૂ થઈ રહેલી T20 સિરીઝ દ્વારા આ ૧૫ વર્ષનો વિસ્ફોટક બૅટર પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરશે. જોકે આ પ્રવાસ દરમ્યાન વૈભવ ટીમ ઇન્ડિયાના અન્ય સિનિયર ખેલાડીઓથી અલગ ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરશે. તે માત્ર 
ટીમ-મીટિંગ અને મૅચના સમયે જ સિનિયર ખેલાડીઓ સાથે મેદાન પર હાજર રહી શકશે.

કેમ અલાયદી વ્યવસ્થા?

વૈભવને અલગ ચેન્જિંગ રૂમ આપવાનો આ નિર્ણય ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ની અન્ડર-16 ખેલાડીઓ સંબંધિત ‘સેફગાર્ડિંગ પૉલિસી’ હેઠળ લેવામાં આવ્યો છે. ૨૦૧૯માં લાગુ કરાયેલા આ નિયમનો મુખ્ય ઉદ્દેશ સગીર વયના ખેલાડીઓને સુરક્ષિત માહોલ પૂરો પાડવાનો અને કોઈ પણ પ્રકારના ગેરવર્તન કે 
શારીરિક-માનસિક શોષણથી બચાવવાનો છે. વૈભવ અગાઉ બિહારની ડોમેસ્ટિક ટીમ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રૉયલ્સ અને ઇન્ડિયા-A ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે, પરંતુ આ પ્રથમ વખત હશે જ્યારે તે અલગ ડ્રેસિંગ કે ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરશે.

મમ્મી-પપ્પા પણ વૈભવની સાથે જ રહેશે

બીજી તરફ, વૈભવની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયાએ જણાવ્યું છે કે ‘આખા પ્રવાસ દરમ્યાન વૈભવના પપ્પા સંજીવ સૂર્યવંશી અને મમ્મી આરતી સૂર્યવંશી તેની સાથે જ રહેશે. સામાન્ય રીતે ખેલાડીઓના પરિવારને ઑફિશ્યલ ટીમ હોટેલમાં રોકાવાની પરવાનગી હોતી નથી, પરંતુ ખાસ મંજૂરી અન્વયે તેઓ એ જ હોટેલમાં રોકાશે અને તેમની મુસાફરી તેમ જ રહેવા-ખાવાનો તમામ ખર્ચ બોર્ડ ભોગવશે.’ 

T20 ટીમના મેમ્બરો મુંબઈ ઍરપોર્ટ પર

આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝ માટે ગઈ કાલે રવાના થતી વખતે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કૅપ્ટન શ્રેયસ ઐયર, શિવમ દુબે, તિલક વર્મા અને અર્શદીપ સિંહ.

vaibhav sooryavanshi england ireland board of control for cricket in india cricket news sports sports news international cricket council