09 November, 2026 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધ્રુવ જુરેલ, તિલક વર્મા અને વૉશિંગ્ટન સુંદર.
લિંકનમાં આયોજિત ત્રીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચના બીજા દિવસે ઇન્ડિયા Aની ટીમે યજમાન સામે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી હતી. ઓપનર્સની ૧૭૫ રનની ભાગીદારી પછી અન્ય ત્રણ ફિફ્ટી પ્લસના સ્કોરના આધારે ભારતે ૧૪૬ ઓવર રમીને ૪૬૪-૫ના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજા દિવસના અંતે ન્યુ ઝીલૅન્ડ Aની ટીમે ૧૪ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૩૬ રન કર્યા હતા.
ગઈ કાલે ૨૨૭-૨ના સ્કોરથી ભારતે પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. ઓપનર સાઈ સુદર્શનની ઇનિંગ્સ ૧૧ ફોરની મદદથી ૨૫૫ બૉલમાં ૮૮ રને સમાપ્ત થઈ હતી. કૅપ્ટન ધ્રુવ જુરેલે ૯૫ બૉલમાં ૯ ફોર,બે સિક્સની મદદથી ૭૧ રન; તિલક વર્માએ ૧૬૪ બૉલમાં પાંચ ફોર, બે સિક્સના સહારે અણનમ ૮૧ રન અને વૉશિંગ્ટન સુંદરે ૧૦૭ બૉલમાં બે ફોરની મદદથી અણનમ ૫૦ રન ફટકાર્યા હતા. ભારત પાસે હજી ૪૨૮ રનની વિશાળ લીડ બચી હતી.
દેવદત્ત પડિક્કલે ૫૩ બૉલમાં ૧૫ રન અને રવીન્દ્ર જાડેજાએ ૭૧ બૉલમાં પચીસ રનનું યોગદાન આપ્યું હતું. યજમાન ટીમના ૯ બોલિંગ વિકલ્પોમાંથી ફાસ્ટ બોલર ઝૅક ગિબ્સને ૨૩.૧ ઓવરમાં ૭૩ રન આપવાની સાથે બે વિકેટ લઈને બેસ્ટ પ્રદર્શન નોંધાવ્યું હતું.
પહેલી ઇનિંગ્સની શરૂઆતમાં જ યજમાન ટીમે ૯.૪ ઓવરમાં ૨૬ રનના સ્કોર પર બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ પાંચ ઓવરમાં ૧૨ રન આપીને બન્ને વિકેટ લીધી હતી.