03 April, 2026 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લખનઉ સુપર જાયન્ટ્સના હાર્યા બાદ માલિકે મેદાન પર કોચ-કૅપ્ટનના ક્લાસ લીધા
દિલ્હી કૅપિટલ્સની ૨૬ રને ચાર વિકેટ પડી ગયા બાદ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પાંચમી ઓવર બાદ એક પણ વિકેટ નહોતી લઈ શકી. મૅચ બાદ લખનઉના માલિક અને બિઝનેસમૅન સંજીવ ગોયનકા તેમનાં પત્ની અને દીકરા સાથે એકાના ક્રિકેટ સ્ટેડિયમના મેદાન પર કોચ-કૅપ્ટનનો ક્લાસ લેતા જોવા મળ્યા હતા. ચર્ચા દરમ્યાન કૅપ્ટન રિષભ પંત અને કોચ જસ્ટિન લૅન્ગર પોતાનો પક્ષ રજૂ કરતા અને સંજીવ ગોયનકા સલાહ-સૂચન આપતા જોવા મળ્યા હતા.
ભૂતકાળમાં ધોની અને કે. એલ. રાહુલ સાથે પણ મેદાન પર આવી ચર્ચા કરી ચૂકેલા સંજીવ ગોયનકાએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘આ એક લાંબી સીઝન છે અને આવી હારની ક્ષણો કંઈક અર્થપૂર્ણ બનાવવાની પ્રક્રિયાનો ભાગ છે. મને અમારા કૅપ્ટન અને ટીમ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ મજબૂતાઈથી પ્રતિક્રિયા આપશે. આપણે મજબૂતીથી કમબૅક કરીશું.’
પ્રથમ બે સીઝનમાં પ્લેઑફમાં પહોંચેલી લખનઉની ટીમ છેલ્લી બે સીઝનમાં સાતમા ક્રમે રહી છે.