27 August, 2025 06:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન
ભારતીય વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન એશિયા કપ 2025 પહેલાં પોતાના T20 કરીઅરની સર્વોચ્ચ ઇનિંગ્સ રમ્યો છે. કેરાલા ક્રિકેટ લીગ 2025ની ગ્રુપ-સ્ટેજ મૅચ દરમ્યાન તેણે ૪૨ બૉલમાં સદી પૂરી કરીને કોચી બ્લુ ટાઇગર્સને રેકૉર્ડ રન ચેઝ કરવામાં મદદ કરી હતી. એરીઝ કોલ્લમ સેઇલર્સ ટીમે વિષ્ણુ વિનોદ (૪૧ બૉલમાં ૯૪ રન) અને સચિન બેબી (૪૪ બૉલમાં ૯૧ રન)ની ઇનિંગ્સના આધારે પાંચ વિકેટે ૨૩૬ રન કર્યા હતા. સંજુની સદીના આધારે અંતિબ બૉલ પર સિક્સર ફટકારીને કોચી ટીમે ૬ વિકેટે ૨૩૭ રનનો આ ટુર્નામેન્ટનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
સંજુએ ઓપનિંગમાં ઊતરીને ૨૩૭.૨૫ના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરતાં ૧૪ ફોર અને ૭ સિક્સર ફટકારીને ૫૧ બૉલમાં ૧૨૧ રન કર્યા હતા. પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયેલા સંજુએ એશિયા કપમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન માટે મજબૂત દાવેદારી નોંધાવી છે. આ પહેલાં ૩૦ વર્ષના સંજુએ T20 ઇન્ટરનૅશનલમાં ૧૧૧ રન અને IPLમાં ૧૧૯ રનનો હાઇએસ્ટ સ્કોર કર્યો છે.