04 November, 2026 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સરફરાઝ ખાન
સરફરાઝ ખાન નવેમ્બર ૨૦૨૪માં છેલ્લી વખત ભારત માટે ટેસ્ટ-મૅચ રમ્યા પછી ભારતીય ટીમ-મૅનેજમેન્ટ તરફથી સતત અવગણનાનો સામનો કરી રહ્યો છે. આ વિશે સરફરાઝ ખાન કહે છે, ‘દરરોજ સવારે હું જાગું છું અને મારી જાતને એક જ પ્રશ્ન પૂછું છું કે મારે શા માટે વધુ સખત મહેનત કરવી જોઈએ અને વારંવાર એ જ પરિસ્થિતિઓમાંથી પસાર થવું જોઈએ?’
મુંબઈનો ૨૯ વર્ષનો વિકેટકીપર અને બૅટર સરફરાઝ ખાન આગળ કહે છે, ‘જો મને કોઈનો ટેકો મળ્યો હોય તો એ માત્ર મારા પપ્પા નૌશાદ ખાનનો છે. બીજું કોઈ મારા પડખે ઊભું રહ્યું નથી. મેં સખત મહેનત કરી છે અને મારા પિતાનું સપનું પૂરું કર્યું છે. આજના સમયમાં ભારત માટે રમવું સહેલું નથી. એવું પણ નથી કે મેં માત્ર એક કે બે વાર સારું પ્રદર્શન કર્યું છે. મેં ૩૦૦, ૨૦૦ અને ૨૫૦ રનની ઇનિંગ્સ રમી છે. હું ભવિષ્યમાં પણ મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું ચાલુ રાખીશ.’ સરફરાઝ ખાને ફ્રેબ્રુઆરી ૨૦૨૪માં ડેબ્યુ કરીને ભારત માટે ૬ ટેસ્ટ-મૅચમાં ૩૭૧ રન કર્યા હતા. એમાં ૧૫૦ રનની ઇનિંગ્સ સહિત ૩ ફિફ્ટીનો પણ સમાવેશ થાય છે. સતત અવગણના વચ્ચે સરફરાઝ ખાન ગોળમટોળમાંથી ફિટ બન્યો છે અને સતત ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું છે.