અંતિમ બૉલે સિક્સ, શિમરન હેટમાયરે MLC ઇતિહાસનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો

29 June, 2025 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીઝનની છેલ્લી પાંચ મૅચ અને વર્તમાન સીઝનની પહેલી પાંચ મૅચ એમ ટોટલ ૧૦ મૅચ હાર્યા બાદ સીએટલ ઓર્કાસે નવા કૅપ્ટન સિકંદર રઝાના નેતૃત્વ હેઠળ ઐતિહાસિક જીત નોંધાવી હતી

મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યા બાદ શિમરન હેટમાયરે બૅટ આકાશમાં ઉછાળીને કર્યું સેલિબ્રેશન.

શનિવારે મેજર લીગ ક્રિકેટ (MLC) 2025માં સીએટલ ઓર્કાસ ટીમે MI ન્યુ યૉર્ક સામે ૩ વિકેટે રસપ્રદ જીત નોંધાવી હતી. ગઈ સીઝનની છેલ્લી પાંચ મૅચ અને વર્તમાન સીઝનની પહેલી પાંચ મૅચ એમ ટોટલ ૧૦ મૅચ હાર્યા બાદ સીએટલ ઓર્કાસે નવા કૅપ્ટન સિકંદર રઝાના નેતૃત્વ હેઠળ ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ મૅચ ટુર્નામેન્ટના ઇતિહાસની હાઇએસ્ટ ૪૭૫ રનવાળી મૅચ પણ બની હતી.

કૅપ્ટન નિકોલસ પૂરન (૬૦ બૉલમાં ૧૦૮ રન અણનમ) અને તજિન્દર સિંહે (૩૫ બૉલમાં ૯૫ રન) MI ન્યુ યૉર્ક માટે રેકૉર્ડ ૬૮ બૉલમાં ૧૫૮ રનની ભાગીદારી કરીને ચાર વિકેટે ૨૩૭ રનનો સ્કોર કર્યો હતો. જોકે MLC 2025ની પહેલી સદી ફટકારનાર પૂરન અને MLCમાં સૌથી ઝડપી ૯૦+ સ્કોર કરનાર અમેરિકન પ્લેયરનો રેકૉર્ડ કરનાર તજિન્દર સિંહની મહેનત પર પાણી ફરી ગયું હતું.

રન-ચેઝ વખતે રેકૉર્ડ ૧૮ સિક્સર ફટકારનાર સીએટલ ઓર્કાસ ટીમના ઑલરાઉન્ડર શિમરન હેટમાયરે (૪૦ બૉલમાં ૯૭ રન અણનમ) ૭૦૦ T20 મૅચનો અનુભવ ધરાવતા કાઇરન પોલાર્ડની ઓવરમાં અંતિમ બૉલમાં સિક્સ ફટકારીને આ ટુર્નામેન્ટના ઇતિહાસનો હાઇએસ્ટ ૨૩૮ રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકૉર્ડ કર્યો હતો. ટીમને અંતિમ ઓવરમાં જીત માટે ૯ રનની જ જરૂર હતી. ૨૪૨.૫૦ના સ્ટ્રાઇક-રેટથી પાંચ ફોર અને નવ સિક્સ ફટકારનાર શિમરન હેટમાયર પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

new york mumbai indians cricket news test cricket t20 sports news sports