28 December, 2025 11:04 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દીપ્તિ શર્મા અને શફાલી વર્મા
શુક્રવારે શ્રીલંકા સામેની ત્રીજી T20 મૅચમાં સ્પિનર દીપ્તિ શર્માએ ૪ ઓવરમાં ૧૮ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. તે ભારત તરફથી T20 મેન્સ કે વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૫૦ વિકેટ લેનાર એકમાત્ર ભારતીય બની છે. ૨૮ વર્ષની આ ઑલરાઉન્ડરે ૧૩૧ મૅચમાં ૧૫૧ વિકેટ ઝડપી છે. તેણે નંબર વનના સ્થાન પર ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મેગન શટની બરાબરી કરી છે જેણે ૧૨૩ મૅચમાં આ કમાલ કરી છે.
દીપ્તિ શર્મા વિમેન્સ વન-ડે અને T20 ઇન્ટરનૅશનલ બન્ને ફૉર્મેટમાં ૧૫૦ વિકેટ લેનાર વિશ્વની પહેલી ખેલાડી પણ બની છે. દીપ્તિ શર્માએ ૧૨૧ વન-ડે મૅચમાં ૧૬૨ વિકેટ લીધી છે. ભારત માટે માત્ર ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી વન-ડેમાં ૧૫૦+ વિકેટ લઈ શકી છે. તે વિમેન્સ વન-ડેની હાઇએસ્ટ વિકેટટેકરના લિસ્ટમાં ૨૦૪ મૅચમાં ૨૫૫ વિકેટ સાથે પહેલા ક્રમે છે.
વિમેન્સ ટેસ્ટ-ક્રિકેટ ખૂબ ઓછા પ્રમાણમાં રમાતું હોવાથી આ ફૉર્મેટમાં હજી સુધી કોઈ ૧૦૦ વિકેટ પણ નથી લઈ શક્યું. દીપ્તિ શર્માએ પાંચ ટેસ્ટ-મૅચમાં ૨૦ વિકેટ ઝડપી છે.
333
આટલી વિકેટ સાથે ઇન્ટરનૅશનલ વિમેન્સ ક્રિકેટમાં ત્રીજા ક્રમની હાઇએસ્ટ વિકેટટેકર બની દીપ્તિ શર્મા.
20
ભારત-શ્રીલંકા વિમેન્સ T20ના ઇતિહાસમાં આટલી વિકેટ લેનાર પહેલી ખેલાડી બની દીપ્તિ શર્મા.
શુક્રવારે શ્રીલંકા સામેની ત્રીજી T20 મૅચમાં ભારતીય ઓપનર શફાલી વર્માએ ૪૨ બૉલમાં ૭૯ રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમી હતી. ૨૧ વર્ષની સ્ટાર બૅટરે ૧૧ ફોર અને ૩ સિક્સરવાળી આ ઇનિંગ્સથી કેટલાક મોટા રેકૉર્ડ પોતાને નામે કર્યા હતા.
ત્રીજી મૅચમાં શફાલી વર્માએ પાવરપ્લેની ઓવરોમાં જ ૨૪ બૉલમાં ૫૦ રન કર્યા હતા. શ્રીલંકાના ૧૧૩ રનના ટાર્ગેટ સામે ભારતે બે વિકેટે ૧૧૫ રન કર્યા હતા જેમાં શફાલી વર્માએ ૬૮.૬૯ ટકા રન કર્યા હતા. ભારત તરફથી એક વિમેન્સ T20 ઇન્ટરનૅશનલની ઇનિંગ્સમાં હાઇએસ્ટ ૬૬.૧૨ ટકા રન કરવાના હરમનપ્રીત કૌરના ૨૦૧૧ના રેકૉર્ડને પણ તેણે તોડ્યો છે.
ભારત અને શ્રીલંકા વિમેન્સ ટીમ વચ્ચેની T20 રાઇવલરીમાં તે હાઇએસ્ટ ૭૯ રન કરનાર બૅટર બની છે. આ પહેલાં જેમિમા રૉડ્રિગ્સે ૨૦૨૨માં ૭૬ રન ફટકાર્યા હતા. ૨૨ વર્ષની ઉંમર પહેલાં વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં શફાલી વર્મા હાઇએસ્ટ ૧૩ વખત ૫૦+ રનની ઇનિંગ્સ રમનાર બૅટર બની ગઈ છે.