શાહરુખ ખાને ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા નાઇટ રાઇડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું અનાવરણ થયું

03 July, 2026 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉસ ઍૅન્જલસના આ ગ્રાઉન્ડમાં રમાયેલી પહેલી જ મૅચમાં મુંબઈકર સૌરભ નેત્રાવળકર હીરો રહ્યો, ૨૦૨૮ની આૅલિમ્પિક્સમાં અહીં જ ક્રિકેટ મૅચો રમાશે, ગઈ કાલે લૉસ ઍૅન્જલસમાં ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા નાઇટ રાઇડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ પહેલી મૅચ પહેલાં મેદાન પર પૂજા-વિધિ કરી હતી.

ગઈ કાલે લૉસ ઍૅન્જલસમાં ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા નાઇટ રાઇડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના માલિક અને ઍક્ટર શાહરુખ ખાને એક વિડિયો-મેસેજ શૅર કરીને ઑલિમ્પિક્સ માટે બનેલા આ ગ્રાઉન્ડના અનાવરણની જાહેરાત કરી હતી. 
આ સ્ટેડિયમ લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સ મેજર લીગ ક્રિકેટ (MLC) ટીમનું હોમગ્રાઉન્ડ હશે અને ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ક્રિકેટ મૅચોનું પણ આયોજન કરશે. શરૂઆતમાં અહીં ૫૦૦૦ બેઠકો છે. ૨૦૨૭ સુધીમાં ૧૨,૦૦૦ અને ૨૦૨૮ની ઑલિમ્પિક્સ માટે ૧૫,૦૦૦ બેઠકો સુધી વિસ્તરણ થશે. ગ્રાઉન્ડ પર ૮ પિચ અને ૬ ફ્લડલાઇડની પણ વ્યવસ્થા છે. 
વિશ્વમાં પહેલી વખત કોઈ ફ્રૅન્ચાઇઝીએ પોતાનું સ્ટેડિયમ લૉન્ચ કર્યું છે. ટીમ દ્વારા શૅર કરવામાં આવેલા એક વિડિયોમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો સાથે નાઇટ રાઇડર્સ ફ્રૅન્ચાઇઝીના CEO વેન્કી મૈસૂર મેદાન પર પૂજા-વિધિ કરતા જોવા મળ્યા હતા. 

પહેલવહેલી મૅચમાં શું રિઝલ્ટ આવ્યું?
આ મેદાન પર રમાયેલી પહેલી મૅચમાં યજમાન લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સે ૧૭.૫ ઓવરમાં ઑલઆઉટ થઈને આપેલો ૧૦૯ રનનો ટાર્ગેટ વૉશિંગ્ટન ફ્રીડમે ૧૭.૧ ઓવરમાં ૧૧૦/૪નો સ્કોર કરીને ચેઝ કરી લીધો હતો. વૉશિંગ્ટન ફ્રીડમનો પેસ બોલર અને મુંબઈકર સૌરભ નેત્રાવળકર ૪ ઓવરમાં ૧૬ રન આપીને ત્રણ વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

 વિશ્વભરમાં ક્રિકેટનો પ્રચાર કરવો એ એક સામૂહિક પ્રયાસ છે અને આ પ્રકારની પહેલ નવી ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરે છે જે આ વિકાસને વધુ વેગ આપે છે. શાહરુખ ખાનને આ પ્રયાસ માટે અભિનંદન.
- ICC ચૅરમૅન જય શાહ 

 જે સ્વપ્ન તરીકે શરૂ થયું હતું એ આજે વાસ્તવિકતામાં ફેરવાઈ રહ્યું છે. આ વેન્યુ રમતગમત માટે જ નહીં પણ મનોરંજન અને પરિવારો માટે પણ છે. ટેકો આપવા બદલ જય શાહ સહિત ICCના અધિકારીઓનો આભાર.
- ઍક્ટર શાહરુખ ખાન 

Shah Rukh Khan swaminarayan sampraday cricket news sports news sports