ટી૨૦ વર્લ્ડ કપ બાદ શાસ્ત્રી લેશે વિદાય

19 September, 2021 01:47 PM IST  |  Mumbai | Agency

ભારતીય ટીમના હેડ કોચે કહ્યું કે પાંચ વર્ષમાં જે મેળવવા માંગતો હતો એમાં સફળ રહ્યો : અનુગામી તરીકે અનિલ કુંબલે, વીવીએસ લક્ષ્મણ પ્રબળ દાવેદાર

ટી૨૦ વર્લ્ડ કપ બાદ શાસ્ત્રી લેશે વિદાય

યુએઈમાં થનારા ટી૨૦ વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમના નવા કોચની નિયુક્તી થશે. ભારતીય ટીમના ચિફ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ટી૨૦ વર્લ્ડ કપ બાદ એ ભારતીય ટીમનો કોચ નહીં રહે. તેને એ વાતનો આનંદ પણ છે કે જે કંઈ મેળવવા માંગતો હતો એ મેળવવામાં સફળ રહ્યો હતો. શાસ્ત્રીએ ઇંગ્લૅન્ડના ન્યુઝપેપર ધ ટેલીગ્રાફને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અમે નંબર વન ટેસ્ટ ટીમ છે. એવો કોઈ દેશ નથી જ્યાં અમે જીત ન મેળવી હોય. અમે બે વખત ઑસ્ટ્રેલિયાની ટીમને એના જ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવી. પહેલી વખથ ૨૦૧૯માં તો બીજી વખત આ વર્ષની શરૂઆતમાં. ઇંગ્લૅન્ડના પ્રવાસમાં પણ અમે પાંચ ટેસ્ટ મૅચોની સિરીઝમાં ૨-૧થી આગળ રહ્યાં.’
શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટને કોચિંગ આપવાનું લગભગ બ્રાઝીલ કે ઇંગ્લૅન્ડમાં ફુટબોલ ટીમને કો​ચિંગ આપવા જેવું જ છે. હંમેશા સારુ કરવાનું તેમજ જીતવાનું દબાણ રહે છે. ભારતમાં ક્રિકેટનો ઘણો ક્રેઝ છે. ભારતીય સમર્થકો ઇચ્છે કે તમે હંમેશા રમો અને જીતતા રહો. જો તમે સિરીઝ જીતતા રહો તો ઠીક છે. પરંતુ જો ૩૬ પર ઑલઆઉટ થઈ જાવ તો સમર્થકો આ સહન નથી કરી શકતા. તમારા માથે હંમેશા તલવાર લટકતી જ હોય છે.’

૪૩ ટેસ્ટ પૈકી ૨૫માં જીત

રવિ શાસ્ત્રી ૨૦૧૭થી કોચ છે. ૨૦૧૯માં એનો કોન્ટ્રક્ટ વધારવામાં આવ્યો. એના કાર્યકાળ દરમ્યાન ભારતીય ટીમે ૪૩ ટેસ્ટ પૈકી ૨૫ ટેસ્ટમાં જીત મેળવી.સફળતાનો રેટ ૬૦ ટકાથી ઉપરનો રહ્યો છે. વન-ડેમાં ૭૬માંથી ૫૧ માં જીત મેળવી.સફળતાનો રેટ ૬૭ ટકાથી ઉપર રહ્યો. ટી૨૦માં ભારતને ૬૦ પૈકી ૪૦ મૅચમાં જીત મળી. સફળતાનો રેટ ૬૬ ટકા રહ્યો. 

કુંબલે અને લક્ષ્મણનો કરાયો સંપર્ક

ભૂતપૂર્વ સ્પિનર અને ભારતીય ટીમને કોચિંગ આપનારા અનિલ કુંબલે તેમજ ભૂતપૂર્વ બૅટ્સમેન વીવીએસ લક્ષ્મણને કોચ પદના ઉમેદવાર માનવામાં આવી રહ્યાં છે. નામ ન જણાવવાની શરતે સૂત્રોએ કહ્યું હતું કે કુંબલને જે રીતે જવું પડ્યું હતું એને સુધારવાની જરૂર છે. એ વખતે કોચની પસંદગી માટે બનાવવામાં આવેલી સમિતિ કોહલીના દબાણમાં આવી ગઈ અને કુંબલેને હટાવવવામાં આવ્યો. એનાથી બહુ જ ખોટો સંદેશો ગયો. જો કે કુંબલે અને લક્ષ્મણ આ જવાબદારી લેવા માટે તૈયાર છે કે નહીં એ વાત પણ બહુ મહત્વની છે. કુંબલેએ વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન ભારતીય ટીમના હેડ કોચની જવાબદારી સંભાળી હતી. ગાંગુલી, લક્ષ્મણ અને સચિનની સલાહકાર સમિતિએ એને કોચ પદે નિમવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલી સાથે ચૅમ્પિયન્સ ટ્રોફની ૨૦૧૭ની ફાઇનલમાં થયેલા વિવાદ બાદ કુંબલેએ કોચ પદેથી રાજીનામું આપી દિધું હતું. 
કુંબલે પાસે કોચિંગનો ઘણો અનુભવ છે એ લાંબા સમયથી આઇપીએલની ટીમો સાથે કામ કરી રહ્યો છે હાલ તે પંજાબનો હેડ કોચ છે. એ પહેલા બૅન્ગલોર અને મુબઈ સાથે પણ કામ કરી ચૂક્યો છે. લક્ષ્મણ હાલ હૈદરાબાદના મેન્ટર તરીકે કામ કરી રહ્યો છે.

જયવર્દને રસ નથી

રિપોર્ટ પ્રમાણે કુંબલે અને લક્ષ્મણનો સંપર્ક કરતા પહેલા ક્રિકેટ બોર્ડે ભૂતપૂર્વ શ્રીલંકન કૅપ્ટન અને આઇપીએલમાં ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સના કોચ માહેલા જયવર્દનેનો સંપર્ક કર્યો હતો. જોકે જયવર્દેને શ્રીલંકન ટીમ અને આઇપીએલમાં મુંબઈને કોચિંગ આપતા રહેવામાં રસ વધુ હોવાનું જણાવ્યું હતું.

cricket news sports news sports ravi shastri