શેફાલીને બર્થ-ડે ગિફ્ટમાં જોઈએ છે વર્લ્ડ કપની ટ્રોફી

29 January, 2023 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી વખત રમાઈ રહેલી ગર્લ્સ અન્ડર-19 સ્પર્ધાની ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે થશે ટક્કર, ગઈ કાલે બર્થ-ડે દરમ્યાન ખેલાડીઓ પાસે માગી નાનકડી ભેટ

કોણ જીતશે પ્રથમ ટ્રોફી? ભારતીય કૅપ્ટન શેફાલી વર્મા અને ઇંગ્લૅન્ડની કૅપ્ટન ગ્રેસ સ્ક્રીવન્સ

સાઉથ આફ્રિકાના પોશેફસ્ટ્રુમના મેદાનમાં આજે શેફાલી વર્માની કૅપ્ટન્સીમાં ભારતની અન્ડર-19 ટીમ ઇંગ્લૅન્ડ સામે ટી૨૦ની ફાઇનલમાં ટકરાશે. ભારતની ટીમે સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડને સહેલાઈથી હરાવી હતી. બીજી તરફ ઇંગ્લૅન્ડ રસાકસીભરી બીજી સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને ત્રણ રનથી હરાવીને ફાઇનલમાં પહોંચી ગયું છે. પહેલી વખત આ ગર્લ્સ  અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. શનિવારે હરિયાણાની ખેલાડી અને ઓપનિંગ બૅટર શેફાલી વર્માનો બર્થ-ડે હતો. દરમ્યાન તેણે કહ્યું કે ‘બર્થ-ડે ગિફ્ટ તરીકે મને બીજું કંઈ નહીં, માત્ર વર્લ્ડ કપની ટ્રોફી જ જોઈએ છે.’ જોકે આ માગણી તેણે ઘણા સમય પહેલાં કરી હતી. ભારતીય ટીમના કોચ નુશીન ખદીરની પણ કૅપ્ટને ઘણી પ્રશંસા કરી છે, જેમણે ખેલાડીઓને કોઈ પણ જાતના દબાણ વગર રમતને માણવાની સલાહ આપી છે. ઇંગ્લૅન્ડની ટીમમાં ઘણા ઑલરાઉન્ડર્સ છે, પરંતુ ભારતીય ટીમને તેમના ખેલાડીઓની ક્ષમતા પર વિશ્વાસ છે. ભારત તરફથી શ્વેતા સેહરાવતે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૨૯૨ રન કર્યા છે, તો ઇંગ્લૅન્ડ તરફથી ટીમની કૅપ્ટન ગ્રેસ સ્ક્રીવન્સે ૨૯૩ રન કર્યા છે. કૅપ્ટન શેફાલી વર્મા પણ ૧૫૭ રન સાથે ચોથા ક્રમાંકે છે. 

તમામ અધિકારીઓ મહિલા
ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાનારી ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ અનેક પ્રકારે ઐતિહાસિક હશે. પહેલી વખત આ ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચૅમ્પિયન મળશે. એ ઉપરાંત આટલા મોટા પ્લૅટફૉર્મમાં કોઈ પણ મૅચના સંચાલનમાં કોઈ પણ પુરુષનું યોગદાન નહીં હોય. આઇસીસીએ ગઈ કાલે ઘોષણા કરી હતી કે ફાઇનલ માટેની પૅનલમાં તમામ મહિલા અધિકારીઓ હશે. વેનેસા ડિસિલ્વા મૅચ-રેફરી તરીકે ફાઇનલમાં નજર રાખશે, તો કૅન્ડેસ લા બોર્ડે અને સારા દંબનેવાના ઑન ફીલ્ડ અમ્પાયર હશે. ડેડ્ડુન ડિસિલ્વા ટીવી-અમ્પાયર હશે તો લિસા મૅકકેબે ચોથી અમ્પાયર હશે.

મહિલાઓ જીતશે પ્રથમ વર્લ્ડ કપ?
ભારતીય મહિલા ટીમે ભલે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી નામના કમાવી હોય, પરંતુ એ હજી સુધી એક પણ વર્લ્ડ કપ જીતી શકી નથી. ભારતીય ટીમ ૨૦૦૫માં ઑસ્ટ્રેલિયા સામે ૯૮ રનથી અને ૨૦૧૭માં ઇંગ્લૅન્ડ સામે ૯ રનથી વન-ડે વર્લ્ડ કપમાં હારી ગઈ હતી. ૨૦૨૦ના ટી૨૦ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને ૮૫ રનથી હરાવી હતી. શેફાલી આ વખતે આ તકને વેડફવા નથી માગતી.

sports news cricket news indian womens cricket team