ઈશાન કિશને ડબલ સેન્ચુરી ફટકારી ત્યારે લાગ્યું કે મારી કરીઅરનો અંત થઈ શકે છે : શિખર ધવન

04 July, 2025 09:31 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ધવનને પહેલી વાર ત્યારે લાગ્યું કે તેની કરીઅર હવે સમાપ્ત થશે. નોંધવા જેવી બાબત એ છે કે એ ધવનની છેલ્લી ઇન્ટરનૅશનલ બની હતી. ૨૦૨૪માં શિખરે નિવૃત્તિ જાહેર કરી હતી.

ઈશાન કિશન, શિખર ધવન

ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવને એક ઇન્ટરવ્યુમાં પોતાની ઇન્ટરનૅશનલ કરીઅરના અંત વિશે મોટો ખુલાસો કર્યો છે. ૨૦૨૨ની ૧૦ ડિસેમ્બરે ઈશાન કિશને બંગલાદેશ સામેની વન-ડે મૅચમાં ૨૧૦ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી ત્યારે સાથી ઓપનર શિખર ધવન ૮ બૉલમાં ૩ રન બનાવી આઉટ થયો હતો. ધવનને પહેલી વાર ત્યારે લાગ્યું કે તેની કરીઅર હવે સમાપ્ત થશે. નોંધવા જેવી બાબત એ છે કે એ ધવનની છેલ્લી ઇન્ટરનૅશનલ બની હતી. ૨૦૨૪માં શિખરે નિવૃત્તિ જાહેર કરી હતી.

આ વિશે વાત કરતાં શિખર કહે છે, ‘ઘણા ૫૦ રન બનાવી રહ્યો હતો, મેં ૧૦૦ રન બનાવ્યા નહોતા, પણ મેં ઘણા ૭૦ રન બનાવ્યા હતા. જ્યારે ઈશાન કિશને ડબલ સેન્ચુરી ફટકારી ત્યારે મારા અંતરાત્માએ મને કહ્યું, ઠીક છે દીકરા, આ તારી કરીઅરનો અંત હોઈ શકે છે. મારી અંદરથી એક અવાજ આવ્યો અને એવું જ થયું. પછી મને યાદ છે કે મારા મિત્રોએ મને ઇમોશનલ સપોર્ટ આપ્યો હતો. તેઓએ વિચાર્યું કે હું ખૂબ જ હતાશ થઈ જઈશ, પરંતુ હું શાંત હતો, હું આનંદ માણી રહ્યો હતો.’

જ્યારે પૂછવામાં આવ્યું કે શું ટીમમાંથી બહાર થયા પછી તેના કોઈ ભારતીય સાથી પ્લેયર્સે તેનો સંપર્ક કર્યો હતો? ત્યારે ૩૯ વર્ષના ધવને નકારાત્મક જવાબ આપ્યો અને કહ્યું, ‘ટીમમાં પોતાનું સ્થાન ગુમાવવું એના માટે આઘાતજનક નથી, કારણ કે તે યુથ ક્રિકેટના સમયથી જ આનાથી ટેવાયેલો છે.’

ધવને ભારત માટે ૩૪ ટેસ્ટ, ૧૬૭ વન-ડે અને ૬૮ T20 મૅચ રમી છે.

ishan kishan shikhar dhawan cricket news indian cricket team sports news sports india bangladesh