27 June, 2026 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિમેન્સ T20 વર્લ્ડ કપની એક આવૃત્તિમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની શકે શ્રી ચરણી
૨૧ વર્ષની સ્પિનર શ્રી ચરણી વિમેન્સ T20 વર્લ્ડ કપની એક આવૃત્તિમાં ભારત માટે સૌથી વધુ ૧૨ વિકેટ લેનાર બોલર બની ગઈ છે. અગાઉ ૨૦૨૦ના વર્લ્ડ કપમાં સ્પિનર પૂનમ યાદવે ભારત માટે ૧૦ વિકેટ લીધી હતી. શ્રી ચરણીએ બંગલાદેશ સામે બે વિકેટ લઈને આ રેકૉર્ડ તોડ્યો હતો.
ન્યુ ઝીલૅન્ડની સ્પિનર મેલી કેરે ૨૦૨૪માં એક વર્લ્ડ કપ આવૃત્તિમાં સૌથી વધુ ૧૫ વિકેટ લેવાનો રેકૉર્ડ કર્યો હતો. શ્રી ચરણી વધુ ૪ વિકેટ લઈને ન્યુ ઝીલૅન્ડની વર્તમાન કૅપ્ટન મેલી કેરનો આ રેકૉર્ડ તોડી શકે છે. શ્રી ચરણીએ પોતાના આ પહેલા વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ૪ મૅચમાં ૧૬ ઓવરમાં ૮૫ રન આપીને ૧૨ વિકેટ લીધી છે.
એક વર્ષની અંદર નંબર વન T20 વિમેન્સ બોલર બનનાર શ્રી ચરણી કહે છે, ‘મારું સંપૂર્ણ ધ્યાન હાલમાં વર્લ્ડ કપ પર છે. એ જ મારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. હું નંબર વન T20 બોલર બનવા અથવા કોઈ પણ વ્યક્તિગત રૅન્કિંગ વિશે વિચારી રહી નથી. હું ફક્ત મારી બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા, મારી યોજનાઓને વળગી રહેવા, ટીમ માટે સારું પ્રદર્શન કરવા અને વર્લ્ડ કપ જીતવા માગું છું. આવા આંકડા મારી પ્રાથમિકતા નથી.’