29 April, 2026 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અઝમત અઝમતુલ્લાહ
ગઈ કાલે મુલ્લાંપુરમાં રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચ પહેલાં પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરે મોટો ખુલાસો કર્યો હતો. ૨૬ વર્ષના અફઘાની ઑલરાઉન્ડર અઝમત અઝમતુલ્લાહનાં મમ્મીએ હાલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. શ્રેયસ કહ્યું કે ‘હું અઝમત અને તેની ફૅમિલી પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદનાઓ વ્યક્ત કરું છું. અમે આ મુશ્કેલ સમયમાં તેમની સાથે છીએ.’ મૃત્યુનું કારણ હજી અજ્ઞાત છે.
ગઈ કાલની મૅચમાં પંજાબની ટીમના પ્લેયર્સ અઝમત અઝમતુલ્લાહની મમ્મીને શ્રદ્ધાંજલિ આપવા હાથ પર કાળી પટ્ટી બાંધીને રમવા ઊતર્યા હતા. ૨૬ વર્ષનો આ અફઘાની ઑલરાઉન્ડર વર્તમાન સીઝનમાં એક પણ મૅચ રમ્યો નથી. જોકે છેલ્લી સીઝનમાં તેણે પંજાબ માટે નવ મૅચમાં ૫૭ રન કરીને આઠ વિકેટ પણ લીધી હતી. અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સના યંગ ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીએ ટુર્નામેન્ટ વચ્ચે મમ્મીનો સાથ ગુમાવ્યો હતો.
પંજાબે સાત મૅચ બાદ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યો
પંજાબની ટીમ પહેલી સાત મૅચમાં એક પ્લેઇંગ ઇલેવન સાથે રમીને અજેય રહી હતી. જોકે ગઈ કાલે સીઝનની પોતાની આઠમી મૅચમાં પંજાબે બે ફેરફાર કર્યા હતા. સતત બે મૅચથી સરળ કૅચ છોડનાર શશાંક સિંહને બદલે સૂર્યાંશ શેડગે અને ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટને બદલે લૉકી ફર્ગ્યુસનને ૧૧ ખેલાડીઓના લિસ્ટમાં સ્થાન મળ્યું હતું.