પંજાબ કિંગ્સ IPL સીઝનની પહેલી ૬ મૅચમાં અપરાજિત રહેનાર પ્રથમ ટીમ બની

21 April, 2026 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬ મૅચમાંથી પાંચમાં જીત અને એક નો-રિઝલ્ટ મૅચને કારણે ૧૧ પૉઇન્ટ સાથે નંબર-વન ટીમ છે

પંજાબ કિંગ્સની ઑનર પ્રીતિ ઝિન્ટાએ બૉલીવુડના ઍક્ટર અર્જુન રામપાલ સાથે મૅચ નિહાળી હતી.

મુંબઈકર શ્રેયસ ઐયરની આગેવાનીમાં પંજાબ કિંગ્સની ટીમ IPL સીઝનની પહેલી ૬ મૅચમાં અપરાજિત રહેનાર પ્રથમ ટીમ બની છે. ૬ મૅચમાંથી પંજાબની કલકત્તા સામેની એક મૅચ વરસાદને કારણે નો-રિઝલ્ટ રહી હતી. બાકીની પાંચ મૅચમાં આ ટીમે શાનદાર જીત નોંધાવીને પૉઇન્ટ-ટેબલમાં નંબર-વનનું સ્થાન મેળવી લીધું છે. ટીમ પાસે હાલમાં ૧૧ પૉઇન્ટ છે અને વર્તમાન સીઝનમાં ૧૦ કે એથી વધુ મેળવનાર એ એકમાત્ર ટીમ છે. ૮-૮ પૉઇન્ટ સાથે બૅન્ગલોર અને રાજસ્થાનની ટીમ બીજા-ત્રીજા ક્રમે છે. રવિવારે મુલ્લાનપુરની મૅચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે પંજાબની ટીમે પોતાની પહેલી ઇનિંગ્સનો અને વર્તમાન સીઝનમાં પણ હાઇએસ્ટ ૬ વિકેટે ૨૫૪ રન કર્યા હતા. બીજી વિકેટ માટે પ્રિયાંશ આર્ય અને કૂપર કૉનોલીએ ૧૩.૬૫ના રન-રેટથી ૮૦ બૉલમાં ૧૮૨ રનની શાનદાર ભાગીદારી કરી હતી. લખનઉએ પોતાની વ્યક્તિગત ફિફટી વગર હાઇએસ્ટ પાંચ વિકેટે ૨૦૦ રન કર્યા હતા. મુલ્લાનપુરના મેદાન પરની પોતાની પહેલી મૅચમાં લખનઉને ૫૪ રને હાર મળી હતી. પંજાબ વર્તમાન સીઝનમાં પોતાના હોમ ગ્રાઉન્ડ મુલ્લાનપુરમાં ત્રણેય મૅચ જીત્યું છે. અગાઉ ૨૦૨૪ અને ૨૦૨૫ દરમ્યાન તેઓ પોતાની ૧૦માંથી માત્ર ૩ મૅચ અહીં જીત્યા હતા.

ખરાબ ફીલ્ડિંગને કારણે પંજાબના શશાંક સિંહનો ચહેરો કૅપથી છુપાવવાનો વારો આવ્યો

લખનઉ સુપર જાયન્ટ્સ સામેની જીત બાદ શ્રેયસ ઐયર પોતાના સાથી-ખેલાડી શશાંક સિંહનો ચહેરો ટોપીથી છુપાવતો જોવા મળ્યો હતો. શ્રેયસ ઐયર એ સમયે નબળી ફીલ્ડિંગને કારણે શરમમાં મુકાયેલા શશાંક સિંહનો મૂડ હળવો કરતો જોવા મળ્યો હતો. શશાંક એ સમયે હેડ કોચ રિકી પૉન્ટિંગથી પણ ડરી રહ્યો હતો, પણ કૅચ છોડ્યો ત્યારે ગુસ્સે ભરાયેલો હેડ કોચ પણ તેને ભેટી પડ્યો હતો. શશાંક સિંહથી નિકોલસ પૂરન અને મુકુલ ચૌધરીના હાથમાં આવેલા કૅચ છૂટી ગયા હતા. એક સિક્સને તે બાઉન્ડરી પાસેથી સરળતાથી બચાવી શક્યો હોત, પણ થોડી આળસને લીધે તેણે કૅચઆઉટ કરવાની એ તક ગુમાવી દીધી હતી. વર્તમાન સીઝનમાં શશાંક સિંહે ૫૧ રન કરવાની સાથે ૩ વિકેટ લીધી છે.

shreyas iyer IPL 2026 punjab kings sports news sports cricket news