27 October, 2025 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાનદાર કૅચ પકડીને મેદાન પર પડ્યો ત્યારથી જ શ્રેયસ ઐયરની પાંસળીમાં દુખાવો શરૂ થયો હતો.
ભારતના વન-ડે વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરને ઇન્જરીને કારણે ઓછામાં ઓછાં ૩ અઠવાડિયાં ક્રિકેટથી દૂર રહેવું પડી શકે છે. શનિવારે સિડનીમાં ત્રીજી વન-ડે દરમ્યાન હર્ષિત રાણાની બોલિંગમાં ઍલેક્સ કૅરીને આઉટ કરવા માટે શાનદાર કૅચ લેતી વખતે તેને ડાબી પાંસળીમાં વાગ્યું હતું. શ્રેયસને મૅચ દરમ્યાન સ્કૅન માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રારંભિક ટેસ્ટ સૂચવે છે કે તેને ઈજા થઈ છે અને તે ઓછામાં ઓછાં ૩ અઠવાડિયાં માટે ક્રિકેટથી દૂર રહેશે.
ભારત પાછા ફર્યા પછી તેણે BCCIના સેન્ટર ઑફ એક્સલન્સમાં જવું પડશે. તેને સ્વસ્થ થવામાં કેટલો સમય લાગશે એ નક્કી કરતાં પહેલાં વધુ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. તેણે હાલમાં જ પીઠની સમસ્યાને કારણે રેડ-બૉલ ક્રિકેટમાંથી ૬ મહિનાનો વિરામ લીધો છે.