રાજસ્થાન રૉયલ્સ સામે IPL પ્લેઑફ ઇતિહાસની સૌથી મોટી સફળ રન-ચેઝ કરી ગુજરાત ટાઇટન્સે

30 May, 2026 04:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં ૩૧ મેએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ફાઇનલમાં ટકરાશે ગુજરાત ટાઇટન્સ...

શુભમન ગિલ અને સાઈ સુદર્શને ૧૨.૫ ઓવરમાં ૧૬૭ રનની ઓપનિંગ ભાગીદારી કરીને જીત સુનિશ્ચિત કરી હતી

વૈભવના ૯૬ રનની મદદથી રાજસ્થાને ૨૧૪-૬નો સ્કોર કર્યો હતો, શતકવીર શુભમન ગિલે સાથી ઓપનર સાઈ સુદર્શન સાથે પ્લેઑફની સૌથી મોટી પાર્ટનરશિપ નોંધાવીને ૭ વિકેટે જીત અપાવી

ગઈ કાલે રાજસ્થાન રૉયલ્સને સાત વિકેટે હરાવીને ગુજરાત ટાઇટન્સે ૨૦૨૨ અને ૨૦૨૩ બાદ ત્રીજી વખત ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. હવે ૩૧ મેએ અમદાવાદમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટ્રોફી જીતવાની અંતિમ ટક્કર થશે. પ્લેઑફ ઇતિહાસમાં રાજસ્થાનને ગુજરાત સામે હૅટ-ટ્રિક હાર મળી છે. અગાઉ ૨૦૨૨ની ક્વૉલિફાયર 1 અને ફાઇનલ મૅચમાં હાર મળી હતી.

ખરાબ શરૂઆત છતાં રાજસ્થાને ૨૧૪-૬નો સન્માનજનક સ્કોર ઊભો કર્યો હતો. જવાબમાં ગુજરાતે ૧૮.૪ ઓવરમાં ૨૧૯-૩નો સ્કોર કરીને પોતાની અને પ્લેઑફ ઇતિહાસમાં કોઈ પણ ટીમની સૌથી મોટી સફળ રન-ચેઝ નોંધાવી હતી. શુભમન ગિલે ૪૭ બૉલમાં ગુજરાત અને પ્લેઑફ ઇતિહાસની ફાસ્ટેસ્ટ સદી નોંધાવી હતી.

૧.૫ ઓવરમાં રાજસ્થાને નવ રનના સ્કોર પર યશસ્વી જાયસવાલ અને ધ્રુવ જુરેલની વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૨૦૪.૨૬ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૭.૨ ઓવર સુધી ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. તેણે ૮ ફોર અને સાત સિક્સની મદદથી ૪૭ બૉલમાં ૯૬ રન ઝૂડ્યા હતા. જ્યારે તે પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં ૨૫ બૉલમાં ૪૬ રને રમી રહ્યો હતો ત્યારે સાઈ સુદર્શને તેનો કૅચ છોડ્યો હતો.

રવીન્દ્ર જાડેજા ચોથા ક્રમે રમવા ઊતર્યો હતો પણ એક સમયે રિટાયર્ડ હર્ટ થયો હતો. તેણે ૩૫ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સની મદદથી અણનમ ૪૫ રન કર્યા હતા. આઠમા ક્રમે રમવા આવેલા ડોનોવન ફેરેરાએ ૧૧ બૉલમાં બે ફોર અને ચાર સિક્સની મદદથી અણનમ ૩૮ રન ફટકારીને ટીમનો સ્કોર ૨૦૦ને પાર કરાવી આપ્યો હતો. ગુજરાત માટે કૅગિસો રબાડા, જેસન હોલ્ડરે બે-બે વિકેટ અને પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ ઝડપી હતી.

રન-ચેઝ દરમ્યાન ગુજરાતના ઓપનર્સે IPL પ્લેઑફ ઇતિહાસની ૧૬૭ રનની સૌથી મોટી ભાગીદારી નોંધાવી હતી. કૅપ્ટન શુભમન ગિલે ૫૩ બૉલમાં ૧૫ ફોર અને ૩ સિક્સની મદદથી ૧૦૪ રન ફટકાર્યા હતા. સાઈ સુદર્શને ૩૨ બૉલમાં ૮ ફોર અને એક સિક્સની મદદથી ૫૮ રન કર્યા હતા. તે સાત બૉલમાં ૧૭ રન પર હતો ત્યારે નાન્દ્રે બર્ગરની ઓવરમાં ડોનોવન ફરેરાએ તેનો કૅચ છોડ્યો હતો.

વૉશિંગ્ટન સુંદરે નવ બૉલમાં ૧૬ રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર અને બ્રિજેશ શર્માએ એક-એક વિકેટ લીધી હતી. 

મેન્સ T20માં હવે સૌથી વધુ શતકીય ભાગીદારી ગુજરાતના ઓપનર્સની 
૪૮ મૅચોમાં ૧૧મી વખત સાઈ સુદર્શન અને શુભમન ગિલે ૧૦૦ પ્લસ રનની ભાગીદારી કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ જોડી મેન્સ T20માં સૌથી વધુ શતકીય ભાગીદારી કરનાર જોડી બની છે. અગાઉ ક્રિસ ગેઇલ અને વિરાટ કોહલીએ ૬૩ મૅચમાં ૧૦ વખત ૧૦૦ પ્લસ રનની પાર્ટનરશિપ કરી હતી. મેન્સ T20માં સૌથી વધુ વખત ૧૦૦ પ્લસ રનની ઓપનિંગ ભાગીદારી કરવા મામલે સાઈ અને શુભમને પાકિસ્તાનના બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનના આઠ વખતના રેકૉર્ડની બરાબરી કરી છે.

શુભમન ગિલનું પ્રદર્શન 
રન - ૧૦૪
બૉલ - ૫૩
ફોર - ૧૫
સિક્સ - ૩
સ્ટ્રાઇક-રેટ - ૧૯૬.૨૩

gujarat titans rajasthan royals shubman gill IPL 2026 cricket news sports news