25 July, 2026 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારત સામેની હાર માટે હરારેની પિચ પર દોષનો ટોપલો ઢોળ્યો સિંકદર રઝાએ
ગુરુવારે ભારત સામેની પહેલી T20 મૅચમાં હાર બાદ કૅપ્ટન સિંકદર રઝાએ હરારેની પિચ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. ૪૦ વર્ષના સિંકદર રઝાએ કહ્યું કે ‘મને લાગે છે કે આ પિચ ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડની નહોતી. અમારી બૅટિંગ સમયે ભેજે ચોક્કસપણે ભૂમિકા ભજવી હતી. નવા બૉલથી રમવાનું મુશ્કેલ બની ગયું હતું. અમે શરૂઆતમાં ઘણી બાઉન્ડરી ન ફટકારી શક્યા. ભારતની બૅટિંગ સમયે પિચ ખૂબ સારી હતી. આશા છે કે અમને આગામી રમત માટે વધુ સારી પિચ મળશે.’
૧૯૯૨નું રેટ્રો-સ્ટાઇલ શર્ટ પહેરીને રમી રહી છે ઝિમ્બાબ્વેની ટીમ
ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે ભારત સામેની આ સિરીઝમાં ટીમ માટે અનોખી કિટની જાહેરાત કરી હતી. ત્રણેય મૅચમાં ઝિમ્બાબ્વેના ખેલાડીઓ પોતાની નિયમિત યલો જર્સીને બદલે ફુલ રેડ રેટ્રો-સ્ટાઇલ શર્ટ પહેરીને ઊતરશે. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે આ જર્સીને ક્રિકેટ-ફૅન્સ ખરીદી શકે એવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
આ જર્સી ૧૯૯૨ના ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની તેમની પ્રખ્યાત કિટથી પ્રેરિત છે. ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં યોજાયેલા એ વર્લ્ડ કપમાં પહેલી વખત ખેલાડીઓ સફેદને બદલે રંગબેરંગી જર્સી પહેરીને મેદાન પર રમ્યા હતા.