30 August, 2025 12:09 PM IST | Sydney | Gujarati Mid-day Correspondent
સર ડૉન બ્રૅડમૅનની બૅગી ગ્રીન કૅપ
ઑસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર સર ડૉન બ્રૅડમૅનની વધુ એક આઇકૉનિક બૅગી ગ્રીન કૅપ ચર્ચામાં છે. ૧૯૪૬-’૪૭ની ઍશિઝ ટેસ્ટ-સિરીઝ દરમ્યાનની તેમની બૅગી ગ્રીન કૅપ ઑસ્ટ્રેલિયાના નૅશનલ મ્યુઝિયમે ૪,૩૮,૫૦૦ ઑસ્ટ્રેલિયન ડૉલર એટલે કે ઑલમોસ્ટ ૨.૫૨ કરોડ રૂપિયામાં ખરીદી છે. જોકે અગાઉના માલિકની ચોક્કસ ઓળખ જાહેર કરવામાં આવી નથી. ૧૯૪૬-’૪૭ની ઍશિઝ સિરીઝ પછી બ્રૅડમૅને ઑસ્ટ્રેલિયન વિકેટકીપર રોન સેગર્સને કૅપ આપી હતી.
બીજા વિશ્વયુદ્ધ બાદ ઇંગ્લૅન્ડ સામે રમાયેલી એ પહેલી સિરીઝ હતી જેમાં યજમાન ઑસ્ટ્રેલિયાએ ૩-૦થી જીત મેળવી હતી. બ્રૅડમૅને એ સિરીઝમાં પાંચ મૅચમાં બે સદી અને ત્રણ ફિફટી સાથે હાઇએસ્ટ ૬૮૦ રન કર્યા હતા. અહેવાલ અનુસાર હાલમાં બ્રૅડમૅનની ૧૧ બૅગી ગ્રીન કૅપ મોજૂદ છે. બીજી એક કૅપ ઑસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ મ્યુઝિયમમાં છે જ્યારે અન્ય ૯નું સ્થાન ગુપ્ત રાખવામાં આવ્યું છે. ડિસેમ્બર ૨૦૨૪માં બ્રૅડમૅને ૧૯૪૭માં ભારત સામે પહેરેલી એક ટેસ્ટ-કૅપ સિડનીના ઑક્શન હાઉસમાં એક અજાણી વ્યક્તિએ ઑલમોસ્ટ ૨.૬૩ કરોડ રૂપિયામાં ખરીદી હતી.