19 July, 2026 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સર ગારફિલ્ડ સોબર્સ અને અંજુ મહેન્દ્રુ
વેસ્ટ ઇન્ડીઝના મહાન ઑલરાઉન્ડર સર ગારફીલ્ડ સોબર્સનું ૮૯ વર્ષની ઉંમરે નિધન થતાં રમતજગતે આંચકો અનુભવ્યો હતો. બાર્બાડોસના બ્રિજટાઉનમાં જન્મેલા સર ગૅરી સોબર્સના સન્માનમાં ન્યુ ઝીલૅન્ડ સામેની વેસ્ટ ઇન્ડીઝની આગામી બન્ને વન-ડે મૅચ માટે કેન્સિંગ્ટન ઓવલમાં દર્શકોને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. ICC દ્વારા દર વર્ષે જે મેન્સ ક્રિકેટર ઑફ ધ યરનો અવૉર્ડ આપવામાં આવે છે એને સર ગૅરી સોબર્સના નામથી જ ઓળખાય છે.
૧૯૫૪થી ૧૯૭૪ સુધી સર ગૅરી સોબર્સે વેસ્ટ ઇન્ડીઝ માટે ૯૩ ટેસ્ટ-મૅચમાં ૨૬ સદીની મદદથી ૮૦૩૨ રન કરવાની સાથે ૨૩૫ વિકેટ લીધી હતી. સપ્ટેમ્બર ૧૯૭૩માં તેમણે એકમાત્ર વન-ડે મૅચ રમી હતી અને એક વિકેટ લેવાનું જ યોગદાન આપી શક્યા હતા.
સર ગૅરી સોબર્સે ૧૯૬૫થી ૧૯૭૨ દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝનું નેતૃત્વ પણ કર્યું હતું. ૩૮૩ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે ૨૮,૩૧૪ રન કરવાની સાથે ૧૦૪૩ વિકેટ લીધી હતી. આ ડાબોડી બૅટરની ત્રણ જુદા-જુદા પ્રકારે બોલિંગ કરવાની ક્ષમતા, આગવી શૈલીની બૅટિંગ અને સારી ફીલ્ડિંગ-સ્કિલ્સને કારણે સર ડૉન બ્રૅડમૅને તેમને ‘ફાઇવ-ઇન-વન ક્રિકેટર’ તરીકે ઓળખાવ્યા હતા.
સર ગૅરી સોબર્સે ૧૯૬૬-૧૯૬૭ની ભારતની ટૂર દરમ્યાન ભારતીય અભિનેત્રી અંજુ મહેન્દ્રુ સાથે મુંબઈમાં સગાઈ કરી હતી. તેમની સગાઈ ત્યારે થઈ હતી જ્યારે સર ગૅરી સોબર્સ ૩૦ વર્ષના હતા અને અંજુ મહેન્દ્રુ ૧૭ વર્ષની હતી. જોકે સોબર્સનાં ક્રિકેટ-કમિટમેન્ટ્સ અને ભારતમાં અંજુ મહેન્દ્રુની કરીઅરની તકોને કારણે તેમની સગાઈ લગ્ન વિના જ સમાપ્ત થઈ ગઈ.
એક ઇન્ટરવ્યુમાં અંજુ મહેન્દ્રુએ ખુલાસો કર્યો હતો કે ‘તે સમયે સર ગૅરી સોબર્સને સગાઈ તોડવા માટે અભિનેતા રાજેશ ખન્નાના ઘરેથી ફોન ગયો હતો.’
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંજુ મહેન્દ્રુ ૧૯૬૭-૧૯૭૨ દરમ્યાન ઍક્ટર રાજેશ ખન્ના અને ૧૯૭૨-૧૯૭૯ દરમ્યાન ઍક્ટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ ખાન સાથે રિલેશનશિપમાં હતી.
સર ગૅરી સોબર્સે ૧૯૬૯માં પ્રુન્ડેન્સ કર્બી સાથે લગ્ન કર્યાં હતાં. જોકે ૧૯૯૦માં બન્નેના છૂટાછેડા થયા હતા. માર્ચ ૨૦૨૫માં તેમની લાંબા સમયની લાઇફ-પાર્ટનર જૅકી વાઇટનું ૭૩ વર્ષની ઉંમરે નિધન થયું હતું.
જન્મ થયો ત્યારે તેમના બન્ને હાથમાં છ-છ આંગળીઓ હતી. છઠ્ઠી આંગળીઓ હાડકાં વગરની અને નકામી રીતે લટકતી હોવાથી તેમણે બાળપણમાં તીક્ષ્ણ છરીઓ વડે કાપી નાખી હતી.
૧૯૬૮માં પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં ૬ છગ્ગા મારનાર પ્રથમ ખેલાડી બન્યા હતા. ઇંગ્લિશ કાઉન્ટી નૉટિંગમશર વતી ગ્લેમર્ગન સામેની ફર્સ્ટ ક્લાસ મૅચમાં તેમણે આ કમાલ કરી હતી.
ટેસ્ટ-ક્રિકેટમાં ૨૧ વર્ષ ૨૧૬ દિવસની સૌથી નાની ઉંમરે ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યા. ૧૯૫૮માં પાકિસ્તાન સામે આ કમાલ કરી હતી.
ટેસ્ટ-ક્રિકેટમાં ૮૦૦૦ રન અને ૨૦૦ વિકેટનો ડબલ રેકૉર્ડ બનાવનાર પ્રથમ ખેલાડી બન્યા હતા.