02 April, 2026 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ઘાટન દરમ્યાન રેખા અજિત વાડેકર, ક્રિકેટ અસોસિએશનના પ્રેસિડન્ટ કરસન ઘાવરી, ઘાટકોપર જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીકાન્ત શાહ, સેક્રેટરી મુકેશ બદાણી તેમ જ અન્ય મૅનેજિંગ કમિટી-મેમ્બરો.
ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા ફિઝિકલી ચૅલેન્જ્ડ ક્રિકેટ-ખેલાડીઓ માટે ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં વેસ્ટ ઝોન, નૉર્થ ઝોન, સાઉથ ઝોન, ઈસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન અને બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન એમ કુલ ૬ ટીમ ભાગ લઈ રહી છે. ઑલ ઇન્ડિયા ક્રિકેટ અસોસિએશન ફૉર ફિઝિકલી ચૅલેન્જ્ડ પ્લેયર્સના સહયોગથી ગઈ કાલે શરૂ થયેલી આ ૩ દિવસીય ટુર્નામેન્ટની ફાઇનલ આવતી કાલે બપોરે બે વાગ્યે રમાશે. ગઈ કાલે યોજાયેલા ઉદ્ઘાટન-સમારોહમાં ઑલ ઇન્ડિયા ક્રિકેટ અસોસિએશન ફૉર ફિજિકલી ચૅલેન્જ્ડના પ્રમુખ કરસન ઘાવરી અને પૅટ્રન મેમ્બર શ્રીમતી રેખા અજિત વાડેકરની વિશેષ હાજરી રહી હતી. ઉદ્ઘાટન રેખા વાડેકર, કરસન ઘાવરી અને ચૅરમૅન રજનીકાન્ત શાહ દ્વારા રિબન-કટિંગ અને શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કરસન ઘાવરીએ લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જિમખાના આવી ટુર્નામેન્ટનું આયોજન આગળ પણ કરે એવી અપેક્ષા છે. એના પ્રતિભાવમાં જિમખાનાના ચૅરમૅન રજનીકાન્ત શાહે જણાવ્યું હતું કે આવી ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે જિમખાના હંમેશાં તૈયાર રહે છે. ક્રિકેટ-ઇન્ચાર્જ નિશિથ ગોલવાળાએ પણ જણાવ્યું હતું કે જિમખાના અને એની સમગ્ર ટીમ હંમેશાં આવા કાર્યક્રમો માટે તૈયાર છે. આ પ્રસંગે સેક્રેટરી મુકેશ બદાણી તથા પરેશ શાહ, સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પરાગ ગાંધી, જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા અને ધર્મેશ મહેતા, કારોબારી સભ્યો નલિન મહેતા અને ગૌરવ મોદી તેમ જ ક્રિકેટ અસોસિએશનના ઉપપ્રમુખ વિનોદ દેશપાંડે, સેક્રેટરી વિનાયક ધોતરે સહિત અનેક મહાનુભાવો અને ૬ ટીમના ખેલાડીઓ હાજર રહ્યા હતા.