24 November, 2025 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંગીતસંધ્યામાં નાચતા પપ્પાનો વિડિયો વાઇરલ
ઇન્ડિયન વિમેન્સ ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બની ત્યારથી ચર્ચામાં રહેલી સ્મૃતિ માન્ધના ઘણા દિવસથી મ્યુઝિક-કમ્પોઝર પલાશ મુચ્છલ સાથેનાં હાઇપ્રોફાઇલ મૅરેજને લીધે ટૉક ઑફ ધ ટાઉન રહી છે. જોકે ગઈ કાલે ૨૩ નવેમ્બરે થનારાં આ લગ્ન છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવ્યાં હતાં. લગ્નની સવારે જ સ્મૃતિ માન્ધનાના પપ્પાની તબિયત બગડી ગઈ હતી અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એ પહેલાં શનિવારે રાતે જ સ્મૃતિના પપ્પા સંગીત-સેરેમનીમાં ઉત્સાહથી નાચતા જોવા મળ્યા હતા.
આ વિશે જાણકારી આપતાં સ્મૃતિના મૅનેજર તુહિન મિશ્રાએ કહ્યું હતું કે ‘સ્મૃતિના પપ્પા શ્રીનિવાસ માન્ધનાએ સવારે બ્રેકફાસ્ટ કર્યો હતો. ત્યાર બાદ સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ તેમને અસ્વસ્થતા અનુભવાતી હતી. થોડી વાર રાહ જોયા પછી અમે કોઈ જોખમ ન લેતાં ઍમ્બ્યુલન્સ બોલાવીને તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા અને ઍડ્મિટ કર્યા હતા. ડૉક્ટરે એવી માહિતી આપી હતી કે હાર્ટ-અટૅકનાં લક્ષણ હોવાથી તેમને થોડા સમય સુધી ઑબ્ઝર્વેશનમાં રાખવાની જરૂર છે. એ કારણે તેમને ઍડ્મિટ કરવામાં આવ્યા છે.’
સ્મૃતિના મૅનેજરે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે સ્મૃતિના પપ્પાની તબિયત એકદમ સારી ન થઈ જાય ત્યાં સુધી લગ્ન મુલતવી રાખવામાં આવ્યાં છે.
સંગીતસંધ્યાના વાઇરલ વિડિયોમાં સ્મૃતિના પપ્પા ‘ના ના ના ના ના રે’ ગીત પર નાચતા જોવા મળ્યા હતા. શ્રીનિવાસ માન્ધના તેમની દીકરી સ્મૃતિ સાથે ‘દેસી ગર્લ’ ગીત પર પણ નાચ્યા હતા.
કેવી રહી સ્મૃતિની સંગીતસંધ્યા?
શનિવારે સાંજે યોજાયેલી સ્મૃતિ અને પલાશની સંગીતસંધ્યામાં ભારે ધમાલ અને મસ્તી થઈ હતી. સંગીતસંધ્યામાં સ્મૃતિ અને પલાશ ‘તૈનુ લેકે મૈં જાવાંગા’ અને ‘ગુલાબી આંખેં’ પર સાથે પર્ફોર્મ કરતાં જોવાં મળ્યાં હતાં. ‘અગર મૈં કહૂં’ અને ‘મુઝસે શાદી કરોગી’ ગીત પર આ કપલના પર્ફોર્મન્સે ધૂમ મચાવી દીધી હતી. જોકે આ ઇવેન્ટનું સૌથી મોટું આકર્ષણ ટીમ ઇન્ડિયાના પ્લેયર્સનો પર્ફોર્મન્સ રહ્યો હતો. તેમના ગ્રુપ-ડાન્સે ઇન્ટરનેટ પર પણ ધમાલ મચાવી હતી.
જેમિમા રૉડ્રિગ્સ, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ અને શ્રેયંકા પાટીલ સહિતના પ્લેયર્સ સ્ટેજ પર ભેગા થયા હતા અને ‘ઓયે અમ્મા’ ગીત પર ડાન્સ કર્યો હતો અને એ પછી ‘તેરા યાર હૂં મૈં’ ગીત પર ઇમોશનલ પર્ફોર્મન્સ કરીને સ્મૃતિને ગળગળી કરી દીધી હતી. એ પર્ફોર્મન્સ પછી સ્મૃતિ દોડીને બધાને ગળે મળવા પહોંચી હતી.