સાઉથ આફ્રિકા પહેલી વાર સળંગ ૧૦ ટેસ્ટ-મૅચ જીત્યું

09 July, 2025 09:31 AM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

બીજી મૅચ એક ઇનિંગ્સ અને ૨૩૬ રને જીતીને ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં ૨-૦થી ક્લીન સ્વીપ કરી

સાઉથ આફ્રિકાની ટીમ

ઝિમ્બાબ્વે સામે કેશવ મહારાજના નેતૃત્વમાં ૩૨૮ રને પહેલી ટેસ્ટ જીતનાર સાઉથ આફ્રિકાએ વિઆન મલ્ડરની કૅપ્ટન્સીમાં બીજી મૅચ એક ઇનિંગ્સ અને ૨૩૬ રને જીતીને ૨-૦થી સિરીઝ ક્લીન સ્વીપ કરી છે. સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે ૬૨૬ રન કરીને પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. યજમાન ઝિમ્બાબ્વે પહેલી ઇનિંગ્સમાં ૧૭૦ રને ધરાશાયી થતાં એને ફૉલોઑન મળ્યું હતું, પણ ત્રીજા દિવસની રમતમાં ઝિમ્બાબ્વે બીજી ઇનિંગ્સમાં ૭૭.૩ ઓવરમાં ૨૨૦ રન કરીને ઑલઆઉટ થયું હતું.

ઝિમ્બાબ્વે સામેની સાઉથ આફ્રિકાની આ સૌથી મોટી ટેસ્ટ-જીતી હતી. આફ્રિકન ટીમે છેલ્લે ઝિમ્બાબ્વેને ૧૯૯૯માં એક ઇનિંગ્સ અને ૨૧૯ રને હરાવ્યું હતું.

આ મૅચમાં ૩૬૭ રન કરવાની સાથે ત્રણ વિકેટ લેનાર ઑલરાઉન્ડર વિઆન મલ્ડર પ્લેયર ઑફ ધ મૅચની સાથે પ્લેયર ઑફ ધ સિરીઝ પણ બન્યો હતો. બે મૅચમાં તેણે ૫૩૧ રન ફટકારીને સાત વિકેટ લીધી હતી. આફ્રિકન ટીમે આ હરીફ ટીમ સામે હમણાં સુધીની તમામ અગિયાર ટેસ્ટ જીતીને તેમની વિરુદ્ધ ક્યારેય ટેસ્ટ-સિરીઝ ન હારવાનો રેકૉર્ડ પણ જાળવી રાખ્યો છે. ડિફેન્ડિંગ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયન સાઉથ આફ્રિકાની આ જીત નવી સીઝનમાં નોંધાશે નહીં, કારણ કે ઝિમ્બાબ્વે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો ભાગ નથી.

સાઉથ આફ્રિકા હવે ટેસ્ટ-ક્રિકેટમાં સળંગ ૧૦ મૅચ જીતનારી ત્રીજી ટીમ બની ગઈ છે. ઑસ્ટ્રેલિયાએ ૧૯૯૯થી ૨૦૦૧ અને ૨૦૦૫થી ૨૦૦૮માં સળંગ ૧૬-૧૬ ટેસ્ટ-મૅચ જીતી હતી, જ્યારે વેસ્ટ ઇન્ડીઝે ૧૯૮૪માં સળંગ અગિયાર ટેસ્ટ જીતી હતી. સાઉથ આફ્રિકાએ ૨૦૨૪થી ૨૦૨૫ સુધીમાં સતત ૧૦ મૅચ જીતીને પોતાનો જૂનો ૨૦૦૨થી ૨૦૦૩નો સળંગ નવ મૅચ જીતવાનો રેકૉર્ડ તોડ્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝનો લેજન્ડ બ્રાયન લારા હાઇએસ્ટ ટેસ્ટ-ઇનિંગ્સનો વર્લ્ડ રેકૉર્ડ જાળવી રાખવા માટે હકદાર છે : વિઆન મલ્ડર

સાઉથ આફ્રિકાના સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન વિઆન મલ્ડરે ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટ-મૅચમાં ૩૬૭ રનના અણનમ સ્કોર પર ટીમની પહેલી ઇનિંગ્સ ૬૨૬-૫ પર ડિક્લેર કરી હતી. તેની પાસે વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રાયન લારાનો હાઇએસ્ટ ૪૦૦ રનનો ટેસ્ટ-ઇનિંગ્સ સ્કોર તોડવાનો મોકો હતો, પણ તે લારાના ૨૦૦૪ના ઇંગ્લૅન્ડ સામે બનાવેલા આ રેકૉર્ડને જાળવી રાખવા માગતો હતો.

ઇનિંગ્સ ડિક્લેર કરવા વિશે વિઆન મલ્ડર કહે છે, ‘મને લાગ્યું કે અમારી પાસે પૂરતા રન છે અને અમારે બોલિંગ કરવાની જરૂર છે. બ્રાયન લારા એક લેજન્ડ છે અને એ કક્ષાની વ્યક્તિ માટે રેકૉર્ડ રાખવો યોગ્ય છે. જો મને ફરીથી આવું કરવાની તક મળે તો હું એ બરાબર એ જ રીતે કરીશ. લારા હાઇએસ્ટ ટેસ્ટ ઇનિંગ્સનો વર્લ્ડ રેકૉર્ડ જાળવી રાખવા માટે હકદાર છે.’ વિઆન મલ્ડર સાઉથ આફ્રિકા માટે સૌથી મોટી અને ઓવરઑલ પાંચમી મોટી ટેસ્ટ-ઇનિંગ્સ રમ્યો હતો.

south africa zimbabwe test cricket cricket news sports news sports