08 December, 2025 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઉથ આફ્રિકન કોચ શુક્રી કૉનરાડ
ભારત સામે ઘરઆંગણે ટેસ્ટ-સિરીઝ જીતતી વખતે સાઉથ આફ્રિકન કોચ શુક્રી કૉનરાડે ભારતીય ટીમ માટે જે ગ્રોવેલ શબ્દનો ઉપયોગ કર્યો હતો એના પર તેણે મોટું નિવેદન આપ્યું છે. ભારત સામે વન-ડે સિરીઝમાં મળેલી હાર બાદ તેણે માફી તો નહોતી માગી, પણ અપમાનજનક શબ્દ ન વાપરવો જોઈએ એ સ્વીકાર્યું હતું.
શુક્રી કૉનરાડે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘મારો ક્યારેય કોઈને નારાજ કરવાનો કે ખરાબ વર્તન કરવાનો ઇરાદો નહોતો. હું આનાથી વધુ સારો શબ્દ પસંદ કરી શક્યો હોત. મારો હેતુ ફક્ત એટલો જ હતો કે અમે ઇચ્છતા હતા કે ભારત મેદાન પર વધુ સમય વિતાવે અને મૅચ તેમના માટે ખરેખર મુશ્કેલ બનાવે. હું જે શબ્દનો ઉપયોગ કરું છું એનાથી મારે સાવચેત રહેવું પડશે, કારણ કે એનું અલગ રીતે અર્થઘટન પણ થઈ શકે છે. એ શબ્દએ અમારી ટેસ્ટ-ટીમ માટે ખૂબ જ ખાસ જીતમાંથી ચમક છીનવી લીધી છે.’
ભૂતકાળમાં અંગ્રેજો અશ્વેત ગુલામોને કોણીથી ઘસડાઈને ચાલવાની સજા કરતા જેને ગ્રોવેલ કહેવામાં આવતું હતું. આ અપમાનજનક શબ્દનો ઉપયોગ કરનાર સાઉથ આફ્રિકન કોચ સાથે ભારતના અનુભવી ક્રિકેટર્સ વિરાટ કોહલી અને રોહિત શર્માએ વન-ડે સિરીઝ દરમ્યાન હૅન્ડશેક કરવાનું ટાળ્યું હતું.