03 June, 2025 10:28 AM IST | Cape Town | Gujarati Mid-day Correspondent
હેન્રિક ક્લાસેન
સાઉથ આફ્રિકાના આક્રમક બૅટ્સમૅન હેન્રિક ક્લાસેને કામ અને જીવનને સંતુલિત કરવાના પ્રયાસમાં તાત્કાલિક અસરથી ઇન્ટરનૅશનલ ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે તેણે વિશ્વભરની ફ્રૅન્ચાઇઝી લીગ માટે પોતાની પ્રાથમિકતા નક્કી કરી છે. ૩૩ વર્ષના ક્લાસેને ગયા વર્ષે જાન્યુઆરીમાં ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. હવે તેણે લિમિટેડ ઓવર્સની ફૉર્મેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે.
ક્લાસેને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે ‘આ મારા માટે દુખદ દિવસ છે, કારણ કે મેં ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. ભવિષ્યમાં મારા અને મારા પરિવાર માટે શું સારું છે એ નક્કી કરવામાં મને ઘણો સમય લાગ્યો. એ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. દેશ માટે રમવું એ પહેલા દિવસથી જ સૌથી ગર્વની વાત રહી છે અને મેં હંમેશાં એનું સ્વપ્નું જોયું છે. મારી છાતી પર સાઉથ આફ્રિકાના બૅજ સાથે રમવું એ મારી કરીઅરનું સૌથી મોટું સન્માન રહ્યું છે. હું હવે મારા પરિવાર સાથે વધુ સમય વિતાવી શકીશ.’
માર્ચ ૨૦૨૫ દરમ્યાન લાહોરમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની વન-ડે સેમી-ફાઇનલ આ વિકેટકીપર-બૅટરના ઇન્ટરનૅશનલ કરીઅરની છેલ્લી મૅચ હતી. સંયોગની વાત એ છે કે તેણે ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં પોતાની ડેબ્યુ મૅચ ભારતીય ટીમ સામે જ રમી હતી. ફેબ્રુઆરી ૨૦૧૮માં તેણે પોતાની ધરતી પર ભારત સામે અનુક્રમે વન-ડે અને T20 ડેબ્યુ કર્યું હતું. ભારત સામે જ રાંચીમાં ઑક્ટોબર ૨૦૧૯માં તે પહેલી ટેસ્ટ-મૅચ રમ્યો હતો.
હેન્રિક ક્લાસેનની ઇન્ટરનૅશનલ કરીઅર |
|
મૅચ |
૧૨૨ |
રન |
૩૨૪૫ |
ફિફ્ટી |
૧૬ |
સેન્ચુરી |
૪ |
ઍવરેજ |
૩૨.૪૫ |
સ્ટ્રાઇક-રેટ |
૧૧૭.૪૦ |
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં હેન્રિક ક્લાસેન
૬૦ વન-ડે - ૨૧૪૧ રન (ચાર સેન્ચુરી, ૧૧ ફિફ્ટી)
૫૮ T20 - ૧૦૦૦ રન (ઝીરો સેન્ચુરી, પાંચ ફિફ્ટી)
૪ ટેસ્ટ - ૧૦૪ રન (ઝીરો સેન્ચુરી, ઝીરો ફિફ્ટી)