29 June, 2025 11:51 AM IST | Bulawayo | Gujarati Mid-day Correspondent
લુઆન ડ્રે પ્રિટોરિયસ
સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ગઈ કાલે બે દાયકા બાદ બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ હતી. અગિયાર વર્ષ બાદ ઝિમ્બાબ્વેમાં ટેસ્ટ-મૅચ રમનાર સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. પહેલા દિવસે ૯૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને કૅપ્ટન કેશવ મહારાજની ટીમે ૪૧૮ રન ખડકી દીધા હતા જે ઝિમ્બાબ્વેમાં તેમનો પહેલા દિવસનો હાઇએસ્ટ સ્કોર પણ હતો.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ જીતનાર સાઉથ આફ્રિકાએ ૨૨.૩ ઓવરમાં પંચાવન રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી, પણ ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર લુઆન ડ્રે પ્રિટોરિયસે (૧૬૦ બૉલમાં ૧૫૩ રન) મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને બાજી સંભાળી લીધી હતી. અગિયાર ફોર અને ચાર સિક્સ ફટકારનાર આ પ્લેયર ટેસ્ટ-ડેબ્યુમાં સદી કરનાર ૧૯ વર્ષ ૯૩ દિવસની ઉંમરનો યંગેસ્ટ સાઉથ આફ્રિકન બન્યો છે, જ્યારે ટેસ્ટ-ક્રિકેટમાં ૧૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમનાર યંગેસ્ટ પ્લેયર મામલે તેણે પાકિસ્તાનના જાવેદ મિયાંદાદે (૧૯ વર્ષ ૧૧૯ દિવસ) ૧૯૭૬માં ઑસ્ટ્રેલિયા સામે બનાવેલો રેકૉર્ડ તોડ્યો હતો.
૩ ફોર અને ચાર સિક્સ ફટકારનાર ડેવાલ્ડ બ્રેવિસે (૪૧ બૉલમાં ૫૧ રન) સાઉથ આફ્રિકા માટે ટેસ્ટ-ડેબ્યુ મૅચમાં ૩૮ બૉલમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકૉર્ડ કર્યો હતો. તેની અને પ્રિટોરિયસ વચ્ચે પાંચમી વિકેટ માટે થયેલી ૯૫ રનની ભાગીદારી એ સાઉથ આફ્રિકા માટે પહેલી ટેસ્ટ-મૅચ રમી રહેલા બે પ્લેયર વચ્ચેની સૌથી મોટી ભાગીદારી હતી. ૧૦ ફોર ફટકારનાર કૉર્બિન બૉશ (૧૨૪ બૉલમાં ૧૦૦ રન અણનમ) આજે સાઉથ આફ્રિકાની ઇનિંગ્સને આગળ વધારશે. ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાની (૫૯ રનમાં બે વિકેટ)એ ઝિમ્બાબ્વે માટે ૧૮ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૫૦ ટેસ્ટ-વિકેટ લેવાનો રેકૉર્ડ કર્યો હતો.