આજે પહેલી વન-ડે : પ્લેયર કોહલીની ‘નવી ઇનિંગ્સ’ પર રહેશે સૌની નજર

19 January, 2022 02:29 PM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

કૅગિસો રબાડા વર્કલોડને કારણે સિરીઝની બહાર ઃ બપોરે ૨.૦૦ વાગ્યાથી લાઇવ

જસપ્રીત બુમરાહ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે પાર્લ શહેરના બોલૅન્ડ પાર્ક ખાતે ત્રણ મૅચવાળી સિરીઝની પ્રથમ વન-ડે (બપોરે ૨.૦૦ વાગ્યાથી લાઇવ) રમાશે. ૨૦૨૨નું મોટા ભાગે ટી૨૦નું વર્ષ છે, કારણ કે ૧૦ મહિના પછી ટી૨૦નો વર્લ્ડ કપ રમાવાનો છે. જોકે ૨૦૨૩ના વન-ડે વિશ્વકપ માટે આ સિરીઝ બન્ને દેશ માટે અજમાઈશ શરૂ કરવા માટે સારી છે.
રાહુલ દ્રવિડના કોચિંગમાં ભારતીય ટીમ નવા અવતારમાં આવી રહી છે. વિરાટ કોહલી ૬૩ મહિના પછી પહેલી વાર કૅપ્ટન નહીં, પણ માત્ર પ્લેયર તરીકે રમવાનો છે અને રોહિત શર્માની ગેરહાજરીમાં કે. એલ. રાહુલની કૅપ્ટન્સી તેમ જ ઓપનર તરીકે કસોટી થશે. હવે ભારત જીતશે તો વર્ષો પછી ‘વિરાટસેના’નો ટૅગ નહીં વપરાય, કારણ કે ખુદ વિરાટ હવે માત્ર ટીમનો એક પ્લેયર છે.
બીજી બાજુ, શિખર ધવને પણ અસલી ફૉર્મ બતાવવું પડશે, કારણ કે તે ફ્લૉપ જશે તો તેનું સ્થાન લેવા માટે ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સમાવાયો જ છે.
કોહલી છેલ્લે ૨૦૧૮માં સાઉથ આફ્રિકામાં ભારતે ૫-૧થી જીતેલી સિરીઝનો સુપરસ્ટાર હતો અને તેણે હવે કૅપ્ટન્સીના બોજમાંથી હળવા થયા પછી માત્ર બૅટર તરીકે ટીમને જિતાડવાનો સંકલ્પ કર્યો હશે.
અહીં યાદ અપાવવાનું કે તાજેતરમાં તેણે વન-ડેની કૅપ્ટન્સી છોડી નહોતી, પરંતુ સિલેક્શન કમિટીએ તેની પાસેથી નેતૃત્વની એ જવાબદારી પાછી ખેંચી લીધી હતી.
રાહુલ ઓપનિંગમાં, 
વેન્કટેશ છઠ્ઠો બોલર
કાર્યવાહક કૅપ્ટન કે. એલ. રાહુલ મુખ્ય સુકાની રોહિત શર્માની ગેરહાજરીમાં આજે શિખર ધવન સાથે ઓપનિંગમાં રમશે. આનો અર્થ એ થયો કે ઋતુરાજ ગાયકવાડનો વારો આવતાં કદાચ થોડો સમય લાગશે. બીજું, ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયરને આજે કદાચ છઠ્ઠા બોલર તરીકે ટીમમાં સમાવાશે.
ડિકૉકને કાબૂમાં રાખવો પડશે
સાઉથ આફ્રિકાની ટીમનું સુકાન ભરોસાપાત્ર બૅટર ટેમ્બા બવુમા સંભાળશે. જોકે ટેસ્ટમાંથી અચાનક નિવૃત્ત થઈ ગયેલા વિકેટકીપર-બૅટર ક્વિન્ટન ડિકૉકે પણ 
હવે વન-ડેમાં પોતાની ઉપયોગિતા ફરી સાબિત કરવી પડશે. ભારતીય બોલરોએ તેને અંકુશમાં રાખવો પડશે. ટીમ 
પાસે કાઇલ વરેઇનના રૂપમાં બીજો વિકેટકીપર-બૅટર છે જ. મુખ્ય પેસ બોલર કૅગિસો રબાડાએ વર્કલોડ મૅનેજમેન્ટના ભાગરૂપે અને ન્યુ ઝીલૅન્ડ ખાતેના આવતા મહિનાના પ્રવાસ માટે ફિટ રહેવાના હેતુથી ભારત સામેની આ સિરીઝમાંથી ડ્રૉપ લીધો છે.
પિચ કેવી છે?
બોલૅન્ડ પાર્કની પિચ સ્લો અને ફ્લૅટ છે. અહીંના મેદાનની બાઉન્ડરી ટૂંકી છે એટલે પુષ્કળ રન થઈ શકે એમ છે. આ ગ્રાઉન્ડ પર ૬ વખત ૨૫૦-પ્લસના સ્કોર બન્યા છે.

બન્ને દેશની સંભવિત ઇલેવન
ભારત : કે. એલ. રાહુલ (કૅપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઇસ-કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, વેન્કટેશ ઐયર, રવિચન્દ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર/ભુવનેશ્વર
સાઉથ આફ્રિકા : ટેમ્બા બવુમા (કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), એઇડન માર્કરમ, ડેવિડ મિલર, ડ્વેઇન પ્રિટોરિયસ/જ્યૉર્જ લિન્ડ, રેસી વૅન ડર ડુસેન, જેનમન મલાન, માર્કો જેન્સેન, લુન્ગી ઍન્ગિડી, ઍન્ડિલ ફેહલુકવાયો અને કેશવ મહારાજ/તબ્રેઝ શમ્સી.

353
આટલા રન આજના પર્લના ગ્રાઉન્ડનો હાઇએસ્ટ સ્કોર છે જે ૨૦૧૭માં સાઉથ આફ્રિકાનો બંગલાદેશ સામે હતો.

43
૨૦૧૨માં શ્રીલંકા આટલા ટૂંકા સ્કોરમાં સાઉથ આફ્રિકા સામે ઑલઆઉટ થઈ ગયું હતું. યજમાન ટીમ ૨૫૮ રનથી જીતી હતી.

sports sports news cricket news india south africa