ઝિમ્બાબ્વે સામે ૫૦૦+ રનનો ટાર્ગેટ સેટ કરનાર પહેલી ટીમ બની સાઉથ આફ્રિકા

01 July, 2025 11:03 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

બીજી ઇનિંગ્સમાં ૩૬૯ રને આૅલઆઉટ થઈને સાઉથ આફ્રિકાએ ૫૩૬ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો, ઝિમ્બાબ્વેનો સ્કોર ૩૨/૧ : બે દિવસની રમતમાં હવે જીત માટે ઝિમ્બાબ્વેને ૫૦૫ રન અને આફ્રિકાને ૯ વિકેટની જરૂર

વિઆન મલ્ડરે ૧૭ ફોર અને બે સિક્સની મદદથી ૧૪૭ રન ફટકાર્યા હતા.

સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની પહેલી ટેસ્ટ-મૅચનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ૪૧૮/૯ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કર્યા બાદ બીજી ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકા ૮૨.૫ ઓવરમાં ૩૬૯ રને ઑલઆઉટ થયું હતું. પહેલી ઇનિંગ્સમાં ૨૫૧ રને ધરાશાયી થયેલી યજમાન ટીમ ઝિમ્બાબ્વેએ ત્રીજા દિવસના અંતે ૧૮.૨ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૩૨ રન બનાવ્યા હતા. હવે બાકીની બે દિવસની રમતમાં જીત માટે ઝિમ્બાબ્વેને ૫૦૫ રન અને સાઉથ આફ્રિકાને ૯ વિકેટની જરૂર છે. સાઉથ આફ્રિકાએ ઝિમ્બાબ્વે સામે પહેલી વાર ૫૦૦ પ્લસ રનનો ટાર્ગેટ મૂકવાનો રેકૉર્ડ પણ બનાવ્યો છે.

સાઉથ આફ્રિકાએ ત્રીજા દિવસે ૧૪મી ઓવરમાં ૪૯-૧ના સ્કોરથી રમતની શરૂઆત કરી હતી. બીજી ઇનિંગ્સમાં વિઆન મલ્ડરે ૨૦૬ બૉલમાં ૧૭ ફોર અને બે સિક્સની મદદથી ૧૪૭ રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે કૅપ્ટન કેશવ મહારાજે ચાર ફોર અને એક સિક્સ ફટકારી ૭૦ બૉલમાં ૫૧ રનની ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર ૩૫૦ રનને પાર પહોંચાડ્યો હતો. ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર તનાકા ચિવાંગાએ બન્ને ઇનિંગ્સમાં કુલ ૬ વિકેટ લઈને ટીમ માટે બેસ્ટ બોલિંગ પ્રદર્શનનો રેકૉર્ડ કર્યો હતો.

south africa zimbabwe cricket news test cricket sports news sports