આજે દુલીપ ટ્રોફી જીતવા સેન્ટ્રલ ઝોનને માત્ર ૬૫ રનની જરૂર

15 September, 2025 08:57 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

સાઉથ ઝોને આૅલઆઉટ થતાં પહેલાં બીજી ઇનિંગ્સમાં ૪૨૬ રન કર્યા

સેન્ટ્રલ ઝોનના સ્પિનર કુમાર કાર્તિકેયે હરીફ ટીમ સામે ૧૧૦ રન આપીને ચાર મિડલ ઑર્ડર બૅટર્સની વિકેટ લીધી હતી.

આજે બૅન્ગલોરમાં સાઉથ ઝોન સામે દુલીપ ટ્રોફી ફાઇનલ જીતવા માટે સેન્ટ્રલ ઝોનને બીજી ઇનિંગ્સમાં માત્ર ૬૫ રનની જરૂર છે. પહેલી ઇનિંગ્સમાં ૧૪૯ રન કરનાર સાઉથ ઝોન બીજી ઇનિંગ્સમાં ૧૨૧ ઓવરમાં ૪૨૬ રને ઑલઆઉટ થયું હતું. કૅપ્ટન રજત પાટીદારની ટીમે બે સદીના આધારે પહેલી ઇનિંગ્સમાં ૫૧૧ રન કરીને ૩૬૨ રનની લીડ મેળવી હતી.

ચોથા દિવસની શરૂઆતમાં સાઉથ ઝોને ૩૪મી ઓવરમાં બે વિકેટે ૧૨૯ના સ્કોરથી બીજી ઇનિંગ્સ આગળ વધારી હતી. રવિચન્દ્રન સમરન (૧૧૮ બૉલમાં ૬૭ રન), આન્દ્રે સિદ્ધાર્થ (૧૯૦ બૉલમાં ૮૪ રન અણનમ) અને અંકિત શર્મા (૧૬૮ બૉલમાં ૯૯ રન)ની ઇનિંગ્સના આધારે સાઉથ ઝોને ઑલઆઉટ થતાં પહેલાં ૬૪ રનની લીડ મેળવી હતી. અંકિત અને સિદ્ધાર્થની સાતમી વિકેટ માટેની ૩૩૪ બૉલમાં ૧૯૨ રનની પાર્ટનરશિપ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી. સેન્ટ્રલ ઝોન તરફથી બીજી ઇનિંગ્સમાં સ્પિનર્સ કુમાર કાર્તિકેય (૧૧૦ રનમાં ચાર વિકેટ) અને સારાંશ જૈને (૧૩૦ રનમાં ત્રણ વિકેટ) સૌથી વધુ વિકેટ લીધી હતી.

duleep trophy cricket news sports sports news