રવિએ કર્યો હૈદરાબાદનો સનસેટ

26 September, 2021 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પિનરે ૨૪ રનમાં વિકેટ સાથે લો-સ્કોરિંગ મૅચમાં અપાવી પંજાબને પાંચ રનથી ખૂબ જરૂરી જીત : ૩ વિકેટ અને અણનમ ૪૭ રનની મેન ઑફ ધ મૅચ જેશન હોલ્ડરની મહેનત પાણીમાં

રવિએ કર્યો હૈદરાબાદનો સનસેટ

શારજાહમાં ગઈ કાલે લો-સ્કોરિંગ રોમાંચક મૅચમાં પંજાબ કિંગ્સે હતાશ સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ રને હરાવીને ખૂબ જરૂરી બે પૉઇન્ટ મેળવી લીધા હતા. પંજાબે હૈદરાબાદને ફક્ત ૧૨૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પણ પંજાબના બોલરોની કમાલ અને હૈદરાબાદના બૅટ્સમેનોના ફ્લૉપ શોને લીધે મૅચ છેલ્લા બૉલ સુધી રોમાંચક બની રહી હતી. છેલ્લા બૉલમાં હૈદરાબાદને જીતવા માટે ૭ રનની જરૂર હતી અને જો એ બૉલમાં પાંચ સિક્સર ફટકારનાર જેશન હોલ્ડર વધુ એક સિક્સર ફટકારી દેત તો આ સેકન્ડ હાફમાં પહેલી વાર સુપરઓવરનો રોમાંચ જોવા મળત. 
આ જીત સાથે પંજાબ ૮ પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં પાંચમા નંબરે પહોંચી ગયું હતું અને પ્લે-ઑફ માટેની આશા જીવંત રાખી હતી. જ્યારે હૈદરાબાદનો હવે આ સીઝનનો સનસેટ પાક્કો થઈ ગયો છે. તેમને માટે બધા દરવાજા બંધ થઈ ગયા છે. તેમણે હવે ફક્ત બાકીના પાંચ મુકાબલા સન્માન સાથે વિદાય લેવા માટે જ રમવાના છે. 
૧૨૬ રન પણ ન બનાવી શક્યું
એક સમયે મોટો સ્કોર આસાનીથી બનાવતું હૈદરાબાદ ગઈ કાલે ૧૨૬ રનનો મામૂલી ટાર્ગેટ પણ નહોતું હાંસલ કરી શક્યું. ડેવિડ વૉર્નરે તેનો ફ્લૉપ શો જાળવી રાખતાં ત્રીજા જ બૉલમાં માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કેન વિલિયમસન (૧), મનીષ પાન્ડે (૧૩), કેદાર જાદવ (૧૨) અને અબ્દુલ સમદ (૧) ખાસ કંઈ નહોતા કરી શક્યા, પણ વૃદ્ધિમાન સહાએ ૩૧ રન સાથે એક છેડો સાચવી રાખ્યો હતો, પણ એ એક ખોટા સમયે અને બિનજરૂરી રીતે રનઆઉટ થઈ ગયો હતો. બોલિંગમાં ૩ વિકેટ સાથે તરખાટ મચાવનાર ભૂતપૂર્વ વેસ્ટ ઇન્ડિયન કૅપ્ટન જેશન હોલ્ડરે ૨૯ બૉલમાં પાંચ સિક્સર સાથે અણનમ ૪૭ રનની અફલાતૂન ઇનિંગ્સ રમીને એકલા હાથે ટીમને જીતના દ્વાર સુધી લઈ ગયો હતો. 
પંજાબના બૅટ્સમેનો પાણીમાં
હૈદરાબાદે ટૉસ જીતીને પંજાબને પહેલાં બૅટિંગ કરવા કહ્યું હતું. પંજાબના ઇનફૉર્મ ઓપનરો કૅપ્ટન લોકેશ રાહુલ (૨૧) અને મયંક અગરવાલ (પાંચ) ખાસ કોઈ દમ નહોતા બતાવી શક્યા અને જેશન હોલ્ડરે બન્નેને વહેલા પૅવિલિયનભેગા કરી દીધા હતા. ક્રિસ ગેઇલ (૧૪), એઇડન માર્કરમ (૨૭), દીપક હૂડા (૧૩), હરપ્રીત બ્રાર (૧૮) અને નૅશન ઍલિસ (૧૨)ના યોગદાનથી પંજાબ માંડ-માંડ ૭ વિકેટે ૧૨૫ રન જ બનાવી શક્યું હતું. હોલ્ડરે ૧૯ રનમાં ૩ વિકેટ સાથે પંજાબને પાવર નહોતો બતાવવા દીધો.

cricket news sports news sports sunrisers hyderabad hyderabad