01 November, 2026 09:35 AM IST | Cape town | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ત્રીજી અને અંતિમ ટેસ્ટ-મૅચમાં સાઉથ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયા સામે ૧૭૬ રને શાનદાર વિજય મેળવીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૫-૨૭ના પૉઇન્ટ્સ-ટેબલમાં મોટો અપસેટ સર્જ્યો છે. આ પરિણામ સાથે ન્યુ ઝીલૅન્ડ ટેબલમાં મોખરે પહોંચી ગયું છે, જ્યારે સાઉથ આફ્રિકા બીજા ક્રમે આવી ગયું છે. સિરીઝની નિર્ણાયક મૅચ અગાઉ ટેબલ-ટૉપર રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમ પરાજય બાદ સીધી ત્રીજા ક્રમે સરકી ગઈ છે.
હવે ૭૨.૨૨ પૉઇન્ટ્સ પર્સન્ટેજ (PCT) સાથે ન્યુઝીલૅન્ડ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ સાઉથ આફ્રિકાએ સિરીઝ જીતીને પોતાની સ્થિતિ મજબૂત કરી છે અને એના પૉઇન્ટ્સ પર્સન્ટેજ ૬૬.૬૭થી વધીને ૭૧.૪૩ થઈ જતાં એ બીજા સ્થાને પહોંચી ગયું છે.
સિરીઝ ૧-૨થી ગુમાવ્યા બાદ ઑસ્ટ્રેલિયા ૬૯.૨૩ પૉઇન્ટ્સ પર્સન્ટેજ સાથે ત્રીજા સ્થાને ધકેલાઈ ગયું છે. અગાઉ, ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ સામે બંગલાદેશનો પરાજય થતાં ભારતીય ટીમને પણ લાભ થયો હતો અને ૫૧.૫૨ પૉઇન્ટ્સ પર્સન્ટેજ સાથે ભારત એક ક્રમના સુધારા સાથે ચોથા સ્થાને પહોંચ્યું હતું.
ફખર ઝમાન
ગઈ કાલે લાહોરના ગદાફી સ્ટેડિયમમાં રમાયેલી ત્રિકોણીય વન-ડે સિરીઝની રોમાંચક ફાઇનલમાં પાકિસ્તાને શ્રીલંકાને ૩ વિકેટે માત આપી હતી. ૩ દેશોની આ ટુર્નામેન્ટમાં ત્રીજી ટીમ ઇંગ્લૅન્ડની હતી.
ગઈ કાલે શ્રીલંકાએ પહેલાં બૅટિંગ કરીને ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૨૫ રન કર્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાને ૪૮.૩ ઓવરમાં ૭ વિકેટે ૩૩૧ રન કરીને મૅચ જીતી લીધી હતી.
બન્ને ટીમના ઓપનરોએ આ મૅચમાં સદી ફટકારી હતી. શ્રીલંકાના કુસલ મેન્ડિસે ૧૨૮ બૉલમાં ૧૩૧ રન કર્યા હતા, જ્યારે પાકિસ્તાનના ફખર ઝમાને ૯૯ બૉલમાં ૧૨૭ રન કર્યા હતા.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ્સ-ટેબલમાં ટીમ ઇન્ડિયા ચોથા સ્થાને પહોંચી: વેસ્ટ ઇન્ડીઝ સામેના પરાજયને પગલે બંગલાદેશ પાંચમાં ક્રમે ગબડ્યું
ઢાકામાં રમાયેલી પહેલી ટેસ્ટ-મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે બંગલાદેશનો પરાજય થતાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના પૉઇન્ટ્સ-ટેબલમાં ભારતને મહત્ત્વપૂર્ણ ફાયદો થયો છે. આ પરિણામ સાથે જ ભારતીય ટીમ પાંચમા સ્થાનેથી એક ક્રમ આગળ વધીને ચોથા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે બંગલાદેશ ગબડીને પાંચમા ક્રમે આવી ગયું છે. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝ આઠમા સ્થાને યથાવત્ રહ્યું છે, પરંતુ સાતમા ક્રમે રહેલા શ્રીલંકાની વધુ નજીક પહોંચી ગયું છે.
આ મૅચ શરૂ થઈ એ પહેલાં બંગલાદેશ ૫૫.૫૬ ટકા પૉઇન્ટ્સ પર્સન્ટેજ (PCT) સાથે ચોથા ક્રમે હતું. એણે પોતાની ૬ મૅચમાંથી ત્રણમાં જીત મેળવી હતી અને એક મૅચ ડ્રૉ કરી હતી. ભારત ૧૧ મૅચમાં પાંચ જીત અને બે ડ્રૉ સાથે ૫૧.૫૨ ટકા PCT ધરાવીને પાંચમા સ્થાને હતું. જોકે વેસ્ટ ઇન્ડીઝ સામેની હાર બાદ બંગલાદેશના PCT ઘટીને ૪૭.૬૨ ટકા થઈ જતાં એ ભારત કરતાં પાછળ ધકેલાઈ ગયું છે.
આ ઐતિહાસિક જીત સાથે વેસ્ટ ઇન્ડીઝના PCT ૨૦.૮૩ ટકાથી વધીને ૨૬.૯૨ ટકા થઈ ગયા છે અને એ સાતમા સ્થાને ૩૩.૩૩ ટકા PCT ધરાવતા શ્રીલંકાની વધુ નજીક પહોંચી ગયું છે.