Sports Updates: પહેલીવાર વિશ્વની નંબર વન T20 બોલર બની દીપ્તિ શર્મા

24 December, 2025 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Sports Updates: ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલી વખત કોઈ બોલરે એક ઓવરમાં પાંચ-પાંચ વિકેટ લીધી; જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા પત્ની સાથે મળ્યો વડા પ્રધાન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને અને વધુ સમાચાર

દીપ્તિ શર્મા

પહેલી વાર વિશ્વની નંબર વન T20 બોલર બની દીપ્તિ શર્મા

ભારતીય મહિલા ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા એક સ્થાન ઉપર ચડીને કરીઅરમાં પહેલી વાર વિશ્વની નંબર વન T20 ઇન્ટરનૅશનલ બોલર બની છે. શ્રીલંકા સામેની પ્રથમ T20માં ૨૦ રન આપીને એક વિકેટ લેનાર દીપ્તિએ ઑસ્ટ્રેલિયન ઝડપી બોલર ઍનાબેલ સધરલૅન્ડનું સ્થાન લીધું છે. T20 ફૉર્મેટમાં તે ૭૩૭ પૉઇન્ટ સાથે ટોચ પર છે. આ જ ફૉર્મેટના બૅટિંગ-રૅન્કિંગમાં તે ૩૧મા અને ઑલરાઉન્ડર રૅન્કિંગમાં ત્રીજા ક્રમે છે. તે વન-ડે ફૉર્મેટની ઑલરાઉન્ડર-રૅન્કિંગમાં ચોથું, બોલિંગ-રૅન્કિંગમાં પાંચમું અને બૅટિંગ-રૅન્કિંગમાં ૨૧મું સ્થાન ધરાવે છે. વન-ડે બૅટર્સની રૅન્કિંગમાં સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે ૮૨૦ પૉઇન્ટ સાથે ફરી નંબર વનનું સ્થાન લીધું છે, જ્યારે સ્મૃતિ માન્ધના ૮૧૧ પૉઇન્ટ સાથે બીજા ક્રમે સરકી ગઈ છે.

હું કાબુલના રસ્તાઓ પર એકલો ચાલી શકતો નથી, બુલેટપ્રૂફ કારમાં જ ફરવું પડે છે, ત્યાં આ સામાન્ય છે : T20 ક્રિકેટના નંબર વન બોલર રાશિદ ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસનની યુટ્યુબ ચૅનલ પર અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘હું કાબુલની શેરીઓમાં મુક્તપણે ફરી શકતો નથી. મારી પાસે પોતાની બુલેટપ્રૂફ કાર છે. એ સલામતી માટે છે. તમે ખોટા સમયે ખોટી જગ્યાએ રહેવા માગતા નથી. અફઘાનિસ્તાનમાં એ સામાન્ય છે. દરેક પાસે એ હોય છે.’ 
આતંકવાદથી ગ્રસ્ત દેશમાં રહીને પણ T20 ક્રિકેટમાં હાઇએસ્ટ વિકેટટેકર બોલર બનનાર રાશિદ ખાને કહ્યું હતું કે ‘અફઘાનિસ્તાન માટે રમવું એ અમારું સૌથી મોટું સ્વપ્ન હતું. મને બહાર જવાની મંજૂરી નહોતી. સુરક્ષા-ચિંતાઓને કારણે રમવા માટે બહાર જવાનું પણ ઘણી વાર પ્રતિબંધિત હતું.’

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલી વખત કોઈ બોલરે એક ઓવરમાં પાંચ-પાંચ વિકેટ લીધી

ઇન્ડોનેશિયન ફાસ્ટ બોલર ગેડે પ્રિયાન્દનાએ એક ઓવરમાં પાંચ વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે. ગઈ કાલે બાલીમાં કમ્બોડિયા સામેની T20 મૅચમાં તેણે પોતાની એક ઓવરના સ્પેલમાં માત્ર એક રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ​ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તે આ સિદ્ધિ મેળવનાર પહેલો બોલર બન્યો છે. સોળમી ઓવરમાં આ કમાલ કરીને ૨૮ વર્ષના આ બોલરે મહેમાન ટીમને ૧૬૮ રનના ટાર્ગેટ સામે ૧૦૭ રને ઑલઆઉટ કરી દીધી હતી. પહેલા ૩ બૉલ પર સતત ૩ વિકેટ લીધા બાદ તેણે ચોથો બૉલ ડૉટ ફેંક્યો હતો. પાંચમા બૉલે વિકેટ લીધા બાદ તેણે વાઇડ બૉલ ફેંક્યો અને અંતિમ બૉલ પર ફરી વિકેટ લીધી હતી. T20 ઇન્ટરનૅશનલ ફૉર્મેટમાં સૌથી વધુ ૧૪ વખત એક ઓવરમાં સૌથી વધુ ૪ વિકેટ બોલર્સે લીધી છે.

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટ્રૉસે ૧૮ વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે નવું લગ્નજીવન શરૂ કર્યું : પહેલી પત્ની રુથ મૅક્ડોનલ્ડનું ૨૦૧૮માં ફેફસાંના કૅન્સરને કારણે મૃત્યુ થયું હતું

ઍન્ડ્ર્યુ સ્ટ્રૉસે પોતાના બન્ને દીકારા અને નવી પત્ની સાથેનો ફોટો શૅર કર્યો હતો

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ઍન્ડ્ર્યુ સ્ટ્રૉસે તેની ગર્લફ્રેન્ડ ઍન્ટોનિયા સાથે હાલમાં ધામધૂમથી લગ્ન કર્યાં છે. ૪૮ વર્ષના આ ભૂતપૂર્વ ક્રિકેટરે પોતાનાથી ૧૮ વર્ષ નાની ૩૦ વર્ષની ગર્લફ્રેન્ડ સાથે બીજાં લગ્ન કર્યાં છે. ઍન્ડ્ર્યુ સ્ટ્રૉસ સાઉથ આફ્રિકામાં જન્મ્યો હોવાથી તેણે પોતાનાં બીજાં લગ્નજીવનની શરૂઆત પણ પોતાની માતૃભૂમિથી કરી હતી. તેની પહેલી પત્ની રુથ મૅક્ડોનલ્ડનું ૨૦૧૮માં ફેફસાંના કૅન્સરથી અવસાન થયું હતું. તેની યાદમાં રુથ સ્ટ્રૉસ ફાઉન્ડેશન ઘણાં જાગૃતિ-અભિયાન ચલાવે છે. દર વર્ષે લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડની એક ટેસ્ટ-મૅચમાં રુથ સ્ટ્રૉસ ફાઉન્ડેશન કૅન્સર વિશે જાગૃતિ ફેલાવી કૅન્સરપીડિતો માટે ફન્ડ એકત્ર કરે છે. રુથ સાથે ઍન્ડ્ર્યુ સ્ટ્રૉસનાં લગ્ન ૨૦૦૩માં થયા હતાં અને બન્નેને બે દીકરા પણ છે જેમણે પપ્પાનાં બીજાં લગ્નમાં ખુશ-ખુશી ભાગ લીધો હતો.

ઉસ્માન ખ્વાજાની દીકરીઓને સોશ્યલ મીડિયા પર કહેવાયું... કૅન્સરગ્રસ્ત આતંકવાદી લોહી અને ફ્યુચર સ્કૂલ બ્લાસ્ટર્સ

બૉન્ડી બીચ હુમલામાં મુસ્લિમ લોકો સામેલ હોવાથી મારવામાં આવ્યા આવા ટોણા

બૉન્ડી બીચના આતંકવાદી હુમલા બાદ ઑસ્ટ્રેલિયાના પાકિસ્તાની મૂળના ક્રિકેટર ઉસ્માન ખ્વાજાની પત્ની અને દીકરીઓને ઑનલાઇન નિશાન બનાવવામાં આવી હતી. તેની પત્નીએ રેચલ ખ્વાજાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સોશ્યલ મીડિયા પર મળેલી દ્વેષપૂર્ણ કમેન્ટ્સનો  સ્ક્રીનશૉટ શૅર કર્યો હતો. કેટલાક ટ્રોલર્સે આ કપલની બે દીકરીઓ માટે ‘ફ્યુચર સ્કૂલ બ્લાસ્ટર્સ’ અને ‘કૅન્સરગ્રસ્ત આતંકવાદી લોહી’ જેવી અપમાનજનક કમેન્ટ પણ કરી હતી. ઘણા લોકોએ આ મુસ્લિમ પરિવારને ઑસ્ટ્રેલિયા છોડીને પાકિસ્તાન જવાનું કહ્યું હતું. બૉન્ડી બીચ હુમલામાં મુસ્લિમ લોકો સામેલ હોવાથી ઉસ્માન ખ્વાજા ઍન્ડ ફૅમિલી સાથે આવો દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. રેચલે ૨૦૧૮માં ઉસ્માન સાથેનાં લગ્ન પહેલાં કૅથલિક છોડીને ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. 

જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા પત્ની સાથે મળ્યો વડા પ્રધાન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને

ઑલિમ્પિક્સ ચૅમ્પિયન અને સ્ટાર જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા અને તેની પત્ની, ભૂતપૂર્વ ટેનિસખેલાડી હિમાની મોર લાંબા સમય બાદ ભારતમાં જોવા મળ્યાં છે. લગ્ન પછી નીરજની ટ્રેઇનિંગ અને સ્પર્ધાઓને કારણે વિદેશમાં ટ્રાવેલ કરનાર આ કપલ હાલમાં દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને મળ્યું હતું. સોમવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમની ફૅમિલીના સભ્યોને મળ્યા બાદ આ કપલ ગઈ કાલે વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યું હતું. નરેન્દ્ર મોદીએ આ કપલ સાથેનો ફોટો શૅર કરીને લખ્યું કે અમે રમતગમત સહિત વિવિધ મુદ્દાઓ પર અદ્ભુત વાતચીત કરી.

sports sports news cricket news indonesia deepti sharma kabul afghanistan rashid khan england australia