✕

Sports Updates: પ્રજ્ઞાન ઓઝા વચગાળાનો ચીફ સિલેક્ટર બનશે

01 October, 2026 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સભ્યો ગુવાહાટીમાં હતા અને તેમણે આગામી ન્યુ ઝીલૅન્ડ ટૂર માટેના સિલેક્શન માટે ગૌતમ ગંભીર સાથે પણ મીટિંગ કરી હતી. 

હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પ્રજ્ઞાન ઓઝા.

ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજિત આગરકરનો કાર્યકાળ ૪ ઑક્ટોબરે સમાપ્ત થયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે નવા ચૅરમૅન અથવા રિપ્લેસમેન્ટની નિમણૂક ન થાય ત્યાં સુધી 
એક વચગાળાની વ્યવસ્થા પણ લાગુ કરી છે. અહેવાલ અનુસાર ૪૦ વર્ષના પ્રજ્ઞાન ઓઝાને વચગાળાનો ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યો છે. અનુભવની દૃષ્ટિએ એસ.એસ. દાસ (૨૩ ટેસ્ટ-મૅચ), આર.પી. સિંહ (૧૪) અને અજય રાત્રા (૬) કરતાં પ્રજ્ઞાન ઓઝાએ સૌથી વધુ ૨૪ ટેસ્ટ-મૅચ રમી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે મૅચ દરમ્યાન સિલેક્શન કમિટીના આ સભ્યો ગુવાહાટીમાં હતા અને તેમણે આગામી ન્યુ ઝીલૅન્ડ ટૂર માટેના સિલેક્શન માટે ગૌતમ ગંભીર સાથે પણ મીટિંગ કરી હતી. 

એશિયન ગેમ્સમાં ટ્રૅપ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતને પહેલી વખત ગોલ્ડ મેડલ મળ્યો

એશિયન ગેમ્સ 2026માં ગઈ કાલે ભારતે શૂટિંગની ટ્રૅપ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરુ ઢાંડા અને કાયનન ચેનાઈએ ૪૦માંથી ૩૪ નિશાન સાધીને આ સ્પર્ધામાં નવો એશિયન રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો. હૈદરાબાદનો ૩૫ વર્ષનો કાયનન ચેનાઈ એશિયન ગેમ્સ 2022ના ટીમ ઇવેન્ટ્સમાં એક ગોલ્ડ અને એક બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ૨૬ વર્ષની નીરુ એક દિવસ પહેલાં આ શૂટિંગ કૅટેગરીમાં વ્યક્તિગત ઐતિહાસિક ગોલ્ડ અને વિમેન્સ ટીમ ઇવેન્ટનો સિલ્વર મેડલ જીતી હતી.

એશિયન ગેમ્સમાં હૅટ-ટ્રિક મેડલ જીતનારા ગુલવીર સિંહનો મંત્ર... દાળ, પનીર અને ભગવાન હનુમાન

૧૫૦૦ મીટર અને ૧૦,૦૦૦ મીટરની સ્પર્ધાઓમાં સિલ્વર મેડલ જીત્યા પછી ગુલવીર સિંહે મંગળવારે ૫૦૦૦ મીટરની દોડમાં બ્રૉન્ઝ મેડલ જીતીને એશિયન ગેમ્સમાં ટ્રેબલ પૂર્ણ કરી એટલે કે હૅટ-ટ્રિક મેડલ જીત્યા હતા. ગુલવીર એશિયન ગેમ્સની એક જ આવૃત્તિમાં ત્રણ ઍથ્લેટિક્સ મેડલ જીતનાર બીજો ભારતીય પુરુષ અને કુલ મળીને ચોથો ભારતીય બન્યો હતો. ઇન્ડિયન આર્મીમાં સેવા આપતો ઉત્તર પ્રદેશનો ૨૮ વર્ષનો ગુલવીર સિંહ અગાઉ એશિયન ગેમ્સ 2022માં ૧૦,૦૦૦ મીટરની દોડમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.  આ સિદ્ધિ ગુલવીરને ભારતીય ઍથ્લેટિક્સના એક વિશિષ્ટ જૂથમાં સ્થાન અપાવે છે. નવી દિલ્હીમાં ૧૯૫૧ની એશિયન ગેમ્સમાં લેવી પિન્ટોએ ઍથ્લેટિક્સમાં ત્રણ મેડલ જીત્યા હતા, પી.ટી. ઉષાએ ૧૯૮૬માં સોલમાં ૪ મેડલ જીત્યા હતા અને કે.એમ. બીનામોલે ૨૦૦૨માં બુસાનમાં ત્રણ મેડલ જીત્યા હતા.પાંચ દિવસમાં ત્રણ મેડલ જીતનાર ગુલવીર સિંહ કહે છે, ‘હું માંસાહારી ખોરાક ખાતો નથી. હું ઈંડાં પણ ખાતો નથી. હું સંપૂર્ણ શાકાહારી છું. હું રોટલી, દાળ અને પનીર ખાઉં છું. હું મારા રૂમમાં બજરંગ બલીની મૂર્તિ રાખું છું. મેં તેમની પાસે પ્રાર્થના કરી હતી કે તેઓ મારું ધ્યાન રાખે.’

એશિયન ગેમ્સમાં ગ્રીકો-રોમન કુસ્તીમાં સુનીલ કુમારે ડબલ બ્રૉન્ઝ મેડલ જીત્યો

ભારતીય કુસ્તીબાજ સુનીલ કુમારે એશિયન ગેમ્સમાં પુરુષોની ગ્રીકો-રોમન કુસ્તીની ૮૭ કિલો કૅટેગરીની સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. હરિયાણાનો ૨૭ વર્ષનો સુનીલ કુમાર એશિયન ગેમ્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ગ્રીકો-રોમન કુસ્તીબાજ બન્યો છે. છેલ્લી સીઝનમાં પણ બ્રૉન્ઝ મેડલ જીતનાર સુનીલ કુમારે બ્રૉન્ઝ મેડલ મૅચમાં ફિલિપીન્સના હરીફ સામે માત્ર બે મિનિટમાં ‘ટેક્નિકલ સુપિરિયોરિટી’ના આધારે ૯-0થી જીત નોંધાવી હતી. 

આકિબ નબી ભારત માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમનાર જમ્મુ-કાશ્મીરનો ત્રીજો ક્રિકેટર બન્યો

જમ્મુ ઍન્ડ કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબીએ ગઈ કાલે ગુવાહાટીમાં બીજી વન-ડે મૅચ દરમ્યાન ભારત માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. શ્રીલંકાની ટેસ્ટ-ટૂર પર તેને પહેલી વખત ઇન્ડિયન સ્ક્વૉડમાં સ્થાન મળ્યું હતું. ૨૯ વર્ષનો આકિબ નબી સ્પિન ઑલરાઉન્ડર પરવેઝ રસૂલ (૨૦૧૪) અને ફાસ્ટ બોલર ઉમરાન મલિક (૨૦૨૨) પછી જમ્મુ ઍન્ડ કાશ્મીરનો ત્રીજો પુરુષ ક્રિકેટર બન્યો છે જેણે ઇન્ટરનૅશનલ સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હોય. મૅચ પહેલાં વિકેટકીપર-બૅટર કે.એલ. રાહુલે આકિબ નબીને તેની ભારતની પ્રથમ કૅપ અર્પણ કરી હતી. ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીના સ્થાને આકિબ નબીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝે બીજી મૅચ માટે ૪ ફેરફાર કર્યા હતા.  

રેપનો આરોપી અભિષેક પોરેલ બંગાળ રણજી ટીમ માટે સિલેકટ: બળાત્કારના કેસમાં જામીન પર છૂટ્યો છે દિલ્હી કૅપિટલ્સનો આ વિકેટકીપર

દિલ્હી કૅપિટલ્સના વિકેટકીપર-બૅટર અભિષેક પોરેલનો આગામી રણજી ટ્રોફી સીઝન પહેલાંની પ્રૅક્ટિસ મૅચો માટે બંગાળની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૩ વર્ષના અભિષેક પોરેલની ૧૧ ઑગસ્ટે હુગલીમાં જાતીય ગુનાઓના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ૩૮ દિવસ જ્યુડિશ્યલ કસ્ટડીમાં વિતાવ્યા પછી ૧૮ સપ્ટેમ્બરે અભિષેક પોરેલને જામીન મળ્યા હતાં. સોશ્યલ મીડિયાના ઘણા યુઝર્સે બંગાળની ટીમમાં અભિષેક પોરેલનો  સમાવેશ કરવાના નિર્ણયની ટીકા કરી છે. કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો કે જ્યાં સુધી આ કેસની કાનૂની કાર્યવાહી કોઈ તારણ પર ન પહોંચે ત્યાં સુધી તેને ટીમથી દૂર કેમ ન રાખવામાં આવ્યો.

૧.૫ લાખ રૂપિયાનાં ત્રણ બૅટ ચોરી કરનાર ચોર માટે વિડિયો શૅર કરીને દીપક ચાહરે કહ્યું...યોગીજી પાસે જાઉં કે મોદીજી પાસે?

ભારતીય ક્રિકેટર દીપક ચાહર સાથે એક અનોખી ઘટના બની છે. આગરામાં ચાહર-ડાવર ગ્રાઉન્ડ પર પ્રૅક્ટિસ કરતી વખતે તેનાં ત્રણ અત્યંત મોંઘાં પ્લેયર-એડિશન બૅટ ચોરી થઈ ગયાં હતાં. આ ત્રણેય બૅટ્સની કુલ કિંમત આશરે ૧.૫ લાખ જણાવવામાં આવી રહી છે.આ ઘટના બાદ દીપક ચાહરે એક વિડિયો શૅર કરીને ફેન્સ પાસે મદદ અને સલાહ માગી છે. તેણે મજાકિયા અંદાજમાં કહ્યું, ‘હવે હું બૅટ પાછાં મેળવવા માટે યોગીજી પાસે જાઉં કે મોદીજી પાસે? ચોરને કદાચ અંદાજ પણ નહીં હોય કે આ બૅટ કેટલાં મોંઘાં છે. ચોર કદાચ એ બૅટ વેચી દેશે અથવા એનાથી ટેનિસ બૉલ ક્રિકેટ રમશે. હું એ વ્યક્તિને બૅટના બદલામાં પૈસા આપવા તૈયાર છું.’

sports news sports indian cricket team ajit agarkar gautam gambhir pragyan ojha