18 November, 2025 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રમત જગતમાં શું બન્યું તે વાંચો અહીં માત્ર એક ક્લિકમાં…
પ્રખ્યાત ટૉક-શો ‘ટૂ મચ વિથ કાજોલ ઍન્ડ ટ્વિન્કલ’ના સેટ પરથી ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર્સના ફોટો વાઇરલ થયા છે. કાજોલ અને ટ્વિન્કલ ખન્નાના ટૉક-શોના આગામી એપિસોડમાં જેમિમા રૉડ્રિગ્સ અને શફાલી વર્મા જોવા મળશે. વિમેન્સ વન-ડે વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં ધમાકેદાર પ્રદર્શન કરનાર બન્ને ચૅમ્પિયન પ્લેયર્સ શાનદાર લુકમાં જોવા મળી હતી.
ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ગઈ કાલે પત્ની દેવિશા શેટ્ટીની ૩૨મી વર્ષગાંઠ પર રોમૅન્ટિક ફોટો શૅર કર્યા હતા. ક્યુટ ફોટો શૅર કરીને તેણે કૅપ્શનમાં પત્નીને પોતાના જીવનની ઑલરાઉન્ડર ગણાવી હતી. મુંબઈનો ૩૫ વર્ષનો આ સ્ટાર બૅટર આવતા મહિને સાઉથ આફ્રિકા સામેની પાંચ મૅચની T20 સિરીઝથી ફરી ઍક્શનમાં જોવા મળશે.
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ને લઈને મોટી અપડેટ મળી રહી છે. અહેવાલ અનુસાર સંપૂર્ણ ચોથી સીઝન મુંબઈ અને બરોડામાં યોજાશે. નવી મુંબઈનું ડી. વાય. પાટીલ સ્ટેડિયમ અને વડોદરાનું કોટમ્બી સ્ટેડિયમ મહિલા ક્રિકેટની આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની મૅચની યજમાની કરશે. ટુર્નામેન્ટ આગામી ૭ જાન્યુઆરીએ શરૂ થઈને ૩ ફ્રેબુઆરી સુધી રમાઈ એવી શક્યતા છે. આગામી સીઝન માટેનું ઑક્શન ૨૭ નવેમ્બરે દિલ્હીમાં યોજાવાનું છે.
ભારતના કૅપ્ટન શુભમન ગિલને રવિવારે મોડી રાતે કલકત્તાની વુડલૅન્ડ્સ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાંથી બહાર જતા સમયે તેની ગરદન પર સર્વાઇકલ કૉલર જોવા મળ્યો હતો. સોશ્યલ મીડિયા પર એક વિડિયો સામે આવ્યો છે જેમાં ગિલ ધીમે-ધીમે ચાલતો જોવા મળી રહ્યો છે અને તેના પપ્પા લખવિંદર સિંહ તેની પાછળ ઓશીકું લઈને ચાલી રહ્યા છે. અહેવાલ અનુસાર ૨૨ નવેમ્બરથી થનારી બીજી ટેસ્ટ-મૅચ માટે તે ટીમ સાથે ટ્રાવેલ કરશે, પરંતુ તેનું રમવાનું અનિશ્ચિત છે. કલકત્તા ટેસ્ટ-મૅચના બીજા દિવસે ગરદનમાં ઇન્જરીને કારણે તેને સ્ટેડિયમથી ડાયરેક્ટ હૉસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી.
રાવલપિંડીમાં પાકિસ્તાન સામે આયોજિત ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં શ્રીલંકા ૦-૩થી હાર્યું છે. શ્રીલંકાને છેલ્લે જાન્યુઆરી ૨૦૨૩માં ભારત સામે વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ હમણાં સુધી રમાયેલી ૧૩ વન-ડે સિરીઝમાંથી શ્રીલંકા માત્ર ૪ સિરીઝ હાર્યું છે. રવિવારે રમાયેલી ત્રીજી વન-ડેમાં શ્રીલંકાએ ઑલઆઉટ થઈને આપેલા ૨૧૨ રનનો ટાર્ગેટને પાકિસ્તાને ૪૪.૪ ઓવરમાં ૪ વિકેટે ૨૧૫ રન બનાવી ચેઝ કરી લીધો હતો. પાકિસ્તાને પહેલી મૅચમાં ૬ રન, બીજી મૅચમાં ૮ વિકેટ અને ત્રીજી વન-ડેમાં ૬ વિકેટે જીત નોંધાવી હતી. શ્રીલંકા સામે પાકિસ્તાનની આ સતત ચોથી વન-ડે સિરીઝ જીત પણ છે.
ડાબેથી અલ્કારાઝ રનર-અપ ટ્રોફી સાથે અને સિનર વિજેતાની ટ્રોફી સાથે ફોટો માટે પોઝ આપતા જોવા મળ્યા
સ્પેનરના સ્ટાર પ્લેયર કાર્લોસ અલ્કારાઝ અને ઇટલીના જૅનિક સિનર વચ્ચે આ વર્ષે છઠ્ઠી વખત ફાઇનલમાં ટક્કર થઈ હતી. ગઈ કાલે ઘરઆંગણે જૅનિક સિનરે ATP ફાઇનલ્સ ટુર્નામેન્ટના અંતિમ જંગમાં અલ્કારાઝને ૭-૬, ૭-૫થી હરાવી પોતાનો ખિતાબ ડિફેન્ડ કર્યો હતો. મોટી ટેનિસ ટુર્નામેન્ટમાં બાવીસ વર્ષના અલ્કરાઝે ૧૪ અને સિનરે ૧૧ ટાઇટલ જીત્યાં છે. બન્ને વચ્ચે વર્લ્ડ-રૅન્કિંગમાં નંબર વન બની રહેવાની રેસ જોવા મળે છે. એકબીજા સામેની સિંગલ ટેનિસ મૅચના હેડ-ટુ-હેડ રેકૉર્ડમાં અલ્કરાઝ ૧૦-૬ના રેકૉર્ડથી હજી પણ આગળ છે. આ વર્ષે અલ્કારાઝ ફ્રેન્ચ ઓપનર, યુએસ ઓપનર, ઇટાલિયન ઓપનર અને સિનસિનાટી ઓપનર સિનર સામે જ જીત્યો હતો. સિનરે આ વર્ષે અલ્કરાઝ સામે વિમ્બલ્ડન ટાઇટલ અને ATP ફાઇનલ્સનો ખિતાબ જીત્યો છે.