૨૦મી ઓવરમાં ૩ વિકેટ, હર્ષ દુબે પાંચમો સ્પિનર

23 April, 2026 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૅચનું પરિણામ મોટા ભાગે ૧૫મી ઓવર સુધી ફાઇનલ થઈ ગયું હતું અને બાકીની ઓવરો માત્ર હાર-જીતનું માર્જિન નક્કી કરવા પૂરતી રહી ગઈ હતી.

હર્ષ દુબ

મંગળવારે દિલ્હી કૅપિટલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદની જીતમાં અભિષેક શર્માની શાનદાર સેન્ચુરી અને શ્રીલંકન પેસબોલર ઇશાન મલિંગાના ચાર વિકેટ સાથેના તરખાટનું મુખ્ય યોગદાન હતું. મૅચનું પરિણામ મોટા ભાગે ૧૫મી ઓવર સુધી ફાઇનલ થઈ ગયું હતું અને બાકીની ઓવરો માત્ર હાર-જીતનું માર્જિન નક્કી કરવા પૂરતી રહી ગઈ હતી. ત્યારે કૅપ્ટન કિશને ૧૭મી ઓવરમાં સ્પિનર હર્ષ દુબે મૅચમાં પ્રથમ વાર મોકો આપ્યો હતો, જેમાં તેણે ૧૦ રન આપ્યા હતા અને એક કૅચ ડ્રૉપ થતાં વિકેટ નહોતો મેળવી શક્યો. જોકે હર્ષને ૨૦મી અને છેલ્લી ઓવરમાં ફરી મોકો મળ્યો હતો. છેલ્લી ઓવરમાં દિલ્હીને જીત માટે ૫૧ રનની જરૂર હતી અને કૅપ્ટન અક્ષર પટેલ અને સમીર રિઝવી ક્રીઝ પર હતાં. દુબેએ પ્રથમ બૉલે અક્ષરની વિકેટ લીધા બાદ પાંચમાં બૉલે રિઝવી અને છેલ્લા બૉલે ઍન્ગિડીને આઉટ કરી દીધા હતા. IPLના ઇતિહાસમાં આ ફક્ત પાંચમી વખત બન્યું હતું જ્યારે ૨૦મી ઓવરમાં કોઈ સ્પિનરે ત્રણ-ત્રણ વિકેટ લેવાની કમાલ કરી હોય. આ પહેલાં અમિત મિશ્રા (૨૦૦૮માં), ઍડમ ઝૅમ્પા (૨૦૧૬માં), રાહુલ તેવતિયા (૨૦૧૮માં) અને કૃણાલ પંડ્યા (૨૦૨૫માં) આવી કરામત કરી ચૂક્યા છે. હૈદરાબાદના કોઈ સ્પિનરે પ્રથમ વાર આવી કમાલ કરી હતી.

abhishek sharma sunrisers hyderabad IPL 2026 sports news sports cricket news delhi capitals