આજે IPL 2026ની એલિમિનેટર મૅચમાં ટકરાશે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રૉયલ્સ

27 May, 2026 09:38 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

આજે જે ટીમ હારશે એ ઘરભેગી થશે અને જીતશે એ રમશે સેમી ફાઇનલ : રાજસ્થાન સામે છેલ્લી ૬ મૅચથી અજેય છે હૈદરાબાદી ટીમ, મુલ્લાંપુરમાં રાજસ્થાનનો રેકૉર્ડ હૈદરાબાદ કરતાં સારો રહ્યો છે

બન્ને ટીમના કૅપ્ટનની ફાઇલ તસવીર

IPL 2026ની એલિમિનેટર મૅચ આજે ન્યુ ચંડીગઢના મુલ્લાંપુરના સ્ટેડિયમમાં રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રૉયલ્સમાંથી જે ટીમ આજે જીતશે એ ૨૯ મેએ સેમી ફાઇનલ સમાન ક્વૉલિફાયર 2 મૅચ રમશે, જ્યારે હારનારી ટીમ ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ જશે.

શરૂઆતમાં ઈશાન કિશન અને પછીથી પૅટ કમિન્સની આગેવાનીમાં રમનાર હૈદરાબાદે ટૉપ-ટૂ ટીમની જેમ ૧૪ મૅચમાંથી ૯ જીત અને પાંચ હારને કારણે ૧૮ પૉઇન્ટ મેળવ્યા હતા. જોકે નેટ રનરેટના ફરકને કારણે ત્રીજા ક્રમે રહીને હૈદરાબાદને આ કરો યા મરો મૅચમાં ઊતરવાની ફરજ પડી છે. છેલ્લી બે મૅચમાં ચેન્નઈ અને બૅન્ગલોરને હરાવીને હૈદરાબાદે પ્લેઑફમાં એન્ટ્રી કરી હતી.

રાજસ્થાન આ સીઝનમાં ૧૪ મૅચમાંથી ૮ મૅચ જીત્યું છે અને ૬ મૅચ હાર્યું છે. મુંબઈ સામેની રવિવારની મૅચમાં અનફિટ હોવા છતાં મેદાન પર રાજસ્થાનની આગેવાની કરીને રિયાન પરાગે ટીમને ૧૬ પૉઇન્ટ સાથે પ્લેઑફની અંતિમ ટીમ બનાવી હતી. આ ટીમે લાગલાગટ ૪ જીત સાથે સીઝનની શરૂઆત કરી હતી.

રાજસ્થાન સામે છેલ્લી ૬ મૅચથી હૈદરાબાદની ટીમ અજેય રહી છે. વર્તમાન સીઝનની બન્ને ટક્કરમાં રાજસ્થાનને આ હરીફ સામે ૫૭ રને અને પાંચ વિકેટે હાર મળી હતી. રાજસ્થાનને છેલ્લી જીત એપ્રિલ ૨૦૨૩માં હૈદરાબાદના જ હોમગ્રાઉન્ડમાં ૭૨ રને મળી હતી.

મુલ્લાંપુરમાં કેવું રહ્યું છે બન્ને ટીમનું પ્રદર્શન?

મુલ્લાંપુરમાં હૈદરાબાદ અને રાજસ્થાન પહેલી વખત સામસામે ટકરાશે. મુલ્લાંપુરમાં રાજસ્થાનને પોતાની ત્રણેય મૅચમાં જીત મળી છે. અહીં આ સીઝનમાં રમાયેલી છેલ્લી મૅચમાં રાજસ્થાને પંજાબ સામે ૨૨૩ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. હૈદરાબાદને અહીં બે મૅચમાંથી એક હાર અને એક જીત મળી છે. હૈદરાબાદે પણ અહીં ૨૦૨૪ અને ૨૦૨૬માં હોમ-ટીમ પંજાબ સામે જ મૅચ રમી છે. આ સીઝનમાં હૈદરાબાદ ૨૨૦ રનનો ટાર્ગેટ ડિફેન્ડ ન કરી શક્યું હોવાથી હાર્યું હતું. 

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ

મૅચ

૨૩

હૈદરાબાદની જીત

૧૪

રાજસ્થાનની જીત

ઑરેન્જ કૅપ

ઑરેન્જ કૅપની રેસમાં ટૉપ-ટેનના લિસ્ટમાં હૈદરાબાદના ત્રણ અને રાજસ્થાનનો એક જ પ્લેયર સામેલ છે. હાઇએસ્ટ રન સ્કોર બનાવવા માટે આજે રાજસ્થાનનો વૈભવ સૂર્યવંશી (૫૮૩  રન) તથા હૈદરાબાદના હેન્રિક ક્લાસેન (૬૦૬ રન), ઈશાન કિશન (૫૬૯ રન), અભિષેક શર્મા (૫૬૩ રન) એડીચોટીનું જોર લગાવશે. 

પર્પલ કૅપ

પર્પલ કૅપ જીતવાની રેસમાં રાજસ્થાનનો એક અને હૈદરાબાદના બે ખેલાડીઓ ટૉપ-ટેનના લિસ્ટમાં છે. રાજસ્થાનના જોફ્રા આર્ચરે આ સીઝનમાં ૧૪ મૅચમાં ૨૧ વિકેટ લીધી છે, જ્યારે હૈદરાબાદના ઈશાન મલિંગાએ ૧૯ વિકેટ અને સાકિબ હુસેને ૧૫ વિકેટ ઝડપી છે. 

rajasthan royals sunrisers hyderabad maharaja yadavindra singh pca stadium IPL 2026 indian premier league cricket news sports sports news abhishek sharma ishan kishan nitish kumar reddy pat cummins travis head yashasvi jaiswal vaibhav sooryavanshi dhruv Jurel riyan parag ravindra jadeja ravi bishnoi