29 June, 2025 12:06 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન ટ્રોફી સાથે શ્રીલંકન ટીમ
ગઈ કાલે કોલંબોમાં બીજી ટેસ્ટ-મૅચ એક ઇનિંગ્સ અને ૭૮ રને જીતીને શ્રીલંકાએ ૧-૦થી બંગલાદેશ સામે બે મૅચની ટેસ્ટ-સિરીઝ જીતી લીધી છે. પહેલી ઇનિંગ્સમાં ૨૪૭ રન કરનાર બંગલાદેશે ચોથા દિવસની રમતમાં ૩૮.૪ ઓવરમાં ૧૧૫-૬ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી, પણ શ્રીલંકાએ માત્ર ૨૮ મિનિટમાં ૧૮ રન આપીને બાકીની ચાર વિકેટ લઈ લીધી હતી. પહેલી ઇનિંગ્સમાં ૪૫૮ રન કરનાર શ્રીલંકા સામે બંગલાદેશ ૪૪.૨ ઓવરમાં ૧૩૩ રન કરીને ઑલઆઉટ થયું હતું.
ચોથા દિવસે માત્ર ૧૮ રનમાં બાકીની ચાર વિકેટ ગુમાવી દીધી બંગલાદેશે.
શ્રીલંકન ઓપનર પથુમ નિસાન્કા બીજી ટેસ્ટ-મૅચમાં ૧૫૮ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ અને બન્ને મૅચમાં ૩૬૯ રન ફટકારીને પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. શ્રીલંકાએ બંગલાદેશ સામે ક્યારેય સિરીઝ ન હારવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. બંગલાદેશી ટીમ શ્રીલંકા સામે માર્ચ ૨૦૧૭માં એકમાત્ર ટેસ્ટ-મૅચ જીતી હતી, જ્યારે ૬ મૅચ ડ્રૉ રહી છે અને શ્રીલંકાએ ૨૧ મૅચ જીતી છે.