04 October, 2026 04:10 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
શ્રીલંકા
એશિયન ગેમ્સ 2026માં શ્રીલંકાની મેન્સ ક્રિકેટ ટીમે શાનદાર ઑલરાઉન્ડ પ્રદર્શન કરતાં બંગલાદેશને ૬૩ રને પરાજિત કરીને બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.
મૅચમાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો શ્રીલંકાનો નિર્ણય શરૂઆતમાં ખોટો સાબિત થતો જણાયો હતો. બંગલાદેશના સ્પિનરો સામે શ્રીલંકાની ટીમે પ્રથમ પાંચ ઓવરમાં જ માત્ર ૨૧ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે સહાન અરાચ્ચિગે અને અશેન બંડારાએ ઇનિંગ્સ સંભાળી હતી. એ પછી થરિન્દુ રત્નાયકેએ મૅચનું પાસું પલટી નાખ્યું હતું. રત્નાયકેએ માત્ર ૩૨ બૉલમાં ૭ ચોગ્ગા અને ૫ સિક્સર્સની મદદથી તોફાની ૬૫ રન ફટકાર્યા હતા. તેણે ૨૬ બૉલમાં ફિફ્ટી પૂરી કરી હતી. અરાચ્ચિગેએ ૩૭ બૉલમાં સંયમપૂર્વક ૩૩ રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ બન્નેની લડાયક બૅટિંગના દમ પર શ્રીલંકાએ ૫૧/૪ના સ્કોરથી આગળ વધીને નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૬૫/૯નો મજબૂત સ્કોર ખડક્યો હતો.
૧૬૬ રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી બંગલાદેશની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. નુવાન તુષારાએ પ્રથમ ઓવરમાં જ મેઇડન નાખીને સૈફ હસનને શૂન્ય પર આઉટ કર્યો હતો. ત્યાર બાદ રત્નાયકેએ તન્ઝીદ હસનને અને તુષારાએ લિટન દાસને ક્લીન યૉર્કર પર શૂન્ય પર પૅવિલિયન ભેગા કરતાં ચોથી ઓવર સુધીમાં બંગલાદેશનો સ્કોર ૧૮ રનમાં ૪ વિકેટ થઈ ગયો હતો.
ત્યાર બાદ વિજયકાંત વિયાસકાંત અને વનુજા સહાને સ્પિન-આક્રમણ દ્વારા બંગલાદેશની ઇનિંગ્સને ધ્વસ્ત કરી નાખી હતી. વિયાસકાંતે સતત બે બૉલમાં બે વિકેટ ઝડપી હતી. બંગલાદેશ તરફથી નસુમ અહમદે સૌથી વધુ ૨૬ રન અને યાસિર અલીએ ૨૧ રન બનાવ્યા હતા. સમગ્ર ટીમ ૧૭.૩ ઓવરમાં માત્ર ૧૦૨ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.