22 January, 2026 09:59 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
વન-ડે સિરીઝની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટનો
યજમાન શ્રીલંકા સામે ઇંગ્લૅન્ડ આજે વન-ડે ફૉર્મેટથી વાઇટ-બૉલ સિરીઝ ટૂરની શરૂઆત કરશે. આજથી ૨૭ જાન્યુઆરી સુધી ૩ વન-ડે મૅચની સિરીઝ રમાશે અને ૩૦ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી વચ્ચે ૩ T20 મૅચની સિરીઝ રમાશે. ભારતીય સમય અનુસાર વન-ડે સિરીઝની મૅચ બપોરે ૨.૩૦ વાગ્યે અને T20 સિરીઝની મૅચ સાંજે ૭ વાગ્યે શરૂ થશે.
શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૧૯૮૨થી ૧૨ વન-ડે સિરીઝ રમાઈ છે જેમાંથી અંગ્રેજ ટીમ પાંચ અને શ્રીલંકન ટીમ ૬ સિરીઝ જીતી છે, જ્યારે બન્ને વચ્ચેની પહેલી જ સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી.
ડિસેમ્બર ૨૦૧૪ બાદ બન્ને વચ્ચે રમાયેલી ૩ વન-ડે સિરીઝમાં ઇંગ્લૅન્ડની જ જીત થઈ છે. ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપમાં ટકરાયા બાદ બન્ને ટીમ પહેલી વખત આ ફૉર્મેટમાં સામસામે રમશે. હમણાં સુધી રમાયેલી ૭૯ વન-ડે મૅચમાંથી ૩૮ મૅચ ઇંગ્લૅન્ડે અને ૩૭ મૅચ શ્રીલંકાએ જીતી છે. ૩ મૅચ નો-રિઝલ્ટ અને એક મૅચ ટાઈ રહી હતી.