વિમેન્સ વન-ડેમાં ૩૦૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કરનારી પ્રથમ ટીમ બની શ્રીલંકા

19 April, 2024 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વન-ડે ક્રિકેટમાં પહેલી વાર બન્ને ટીમની કૅપ્ટનોએ ફટકાર્યા ૧૭૫ પ્લસ રન

ચમારી અટાપટ્ટુ

શ્રીલંકન મહિલા ટીમની કૅપ્ટન ચમારી અટાપટ્ટુએ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વન-ડેમાં ૧૯૫ રનની રેકૉર્ડ ઇનિંગ્સ રમીને ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. ચમારી અટાપટ્ટુ મહિલા વન-ડે ક્રિકેટમાં એક કરતાં વધુ વખત ૧૭૫થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી છે. આ મૅચ પહેલાં તેણે ૨૦૧૭ની વર્લ્ડ કપની મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે ૧૭૮ રન કર્યા હતા. ચમારીની ઇનિંગ્સના આધારે શ્રીલંકાએ સાઉથ આફ્રિકાને ૬ વિકેટે હરાવ્યું અને ત્રણ મૅચની વન-ડે શ્રેણી ૧-૧થી લેવલ કરી હતી. પ્રથમ બૅટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટ ગુમાવીને ૩૦૧ રન બનાવ્યા હતા. શ્રીલંકાએ ૪૪.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. શ્રીલંકાની ટીમ મહિલા વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં ૩૦૦થી વધુ રનના લક્ષ્યને સફળતાપૂર્વક હાંસલ કરનાર પ્રથમ ટીમ બની છે. એણે ઑસ્ટ્રેલિયાનો ૧૨ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો, જેણે ૨૦૧૨માં ન્યુ ઝીલૅન્ડ સામે ૨૮૯ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

આ ઉપરાંત પીછો કરતી વખતે શ્રીલંકાના ૪ વિકેટે ૩૦૫ રનનો સ્કોર મહિલા ક્રિકેટમાં સંયુક્ત સર્વોચ્ચ સ્કોર છે. અગાઉ ૨૦૧૭ના વર્લ્ડ કપ દરમ્યાન ઇંગ્લૅન્ડે આપેલા ૩૭૪ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે સાઉથ આફ્રિકાએ ૯ વિકેટે ૩૦૫ રન બનાવ્યા હતા.

1380
આટલી મૅચ બાદ મહિલા વન-ડે ક્રિકેટમાં ૩૦૦ પ્લસનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ થયો

આ પહેલી વાર છે જ્યારે વન-ડે ક્રિકેટમાં બન્ને ટીમના કૅપ્ટને એક જ મૅચમાં ૧૭૫થી વધુ રન બનાવ્યા હોય. આ મૅચમાં લૉરા વોલ્વાર્ડ્‌ટ અણનમ ૧૮૪ રન અને ચમારી અટાપટ્ટુએ અણનમ ૧૯૫ રન બનાવ્યા હતા. બન્ને ખેલાડીઓએ મળીને કુલ ૩૭૯ રન બનાવ્યા હતા, જે વન-ડે ક્રિકેટમાં કૅપ્ટન્સ દ્વારા સૌથી વધુ કુલ સ્કોર છે. ચમારી અને વૉલ્વાર્ડે વિરાટ કોહલી અને ઍન્જેલો મૅથ્યુઝને પાછળ છોડી દીધા હતા, જેમણે ૨૦૧૪માં એકસાથે ૨૭૮ રન બનાવ્યા હતા. એ મૅચમાં વિરાટ કોહલીએ અણનમ ૧૩૯ રન બનાવ્યા હતા, જ્યારે મૅથ્યુઝના બૅટમાંથી પણ એટલા જ રન આવ્યા હતા.

sports news sports cricket news sri lanka south africa