માનસિક સ્વાસ્થ્ય જાળવવા સ્ટોક્સે લીધો ક્રિકેટમાંથી બ્રેક

01 August, 2021 04:40 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ભારત સામેની ટેસ્ટ સિરીઝ ઉપરાંત કદાચ ટી૨૦ વર્લ્ડ કપ અને આઇપીએલમાં પણ નહીં રમે.

સ્ટોક્સના સ્થાને ક્રેગ ઓવરટનને સામેલ કરવામાં આવ્યો

માનસિક રીતે સ્વસ્થ ન હોવાનું જણાવીને ઇંગ્લૅન્ડના સ્ટાર ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે ક્રિકેટમાંથી અનિશ્ચિત કાળ માટે બ્રેક લેવાનું જાહેર કર્યું છે. સ્ટોક્સના આ નિર્ણયને લીધે તે ૪ ઑગસ્ટથી ભારત સામે શરૂ થઈ રહેલી પાંચ ટેસ્ટ મૅચની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ અને ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે આની ઑફિશ્યલ જાહેરાત કરી હતી.

લાંબા સમયથી બાયો-બબલ્સમાં રહેવા અને થોડા સમય પહેલાં પપ્પાના મૃત્યુને લીધે સ્ટોક્સની માનસિક સ્વસ્થતા પર અસર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઇંગ્લૅન્ડના મેન્સ ક્રિકેટના મૅનેજિંગ ડિરેક્ટર ઍશ્લે જાયલ્સે આ બાબતે કહ્યું હતું કે ક્રિકેટ બોર્ડ સ્ટોક્સના નિર્ણયનું સન્માન કરે છે. તેને શારીરિક અને માનસિક રીતે કમબૅક કરવા માટે પૂરતો સમય અપાશે. તે ઇચ્છે ત્યાં સુધી બ્રેક લઈ શકે છે, પણ અમે ભવિષ્યમાં તેને ઇંગ્લૅન્ડ વતી ફરી રમતો જોવા માગીએ છીએ.

ભારત સામેની સિરીઝમાં હવે સ્ટોક્સના સ્થાને ક્રેગ ઓવરટનને સામેલ કરવામાં આવ્યો છે.

આઇપીએલ-ટી૨૦ વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ

આઇપીએલની અધૂરી રહેલી સીઝન સપ્ટેમ્બરમાં અને ટી૨૦ વર્લ્ડ કપ ઑક્ટોબરમાં યુએઈમાં રમવાનો છે. સ્ટોક્સે ત્રણેય ફૉર્મેટમાંથી બ્રેક લેવાની ઘોષણા કરતાં આવતા મહિને રમાનારી આઇપીએલ અને ત્યાર બાદ ટી૨૦ વર્લ્ડ કપમાં તેના કમબૅક વિશે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો તે ટી૨૦ વર્લ્ડ કપમાં નહીં રમે તો ઇંગ્લૅન્ડે તેના આ ચૅમ્પિયન ખેલાડી વિના મેદાનમાં ઊતરવું પડશે.

Sports news cricket news england ben stokes